JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ સોંપવાની પ્રક્રિયા વધુ વૈજ્ઞાનિક બનશે: આરોગ્ય રાજ્યમંત્રીની ઓચિંતી મુલાકાત, નવી કાર્યપ્રણાલી લાગુ કરવા આદેશ

Oct 03, 2026 | 21:19 | By JAMNAGAR MIRROR
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ સોંપવાની પ્રક્રિયા વધુ વૈજ્ઞાનિક બનશે: આરોગ્ય રાજ્યમંત્રીની ઓચિંતી મુલાકાત, નવી કાર્યપ્રણાલી લાગુ કરવા આદેશ

રાજકોટ સ્થિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલની રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સમગ્ર હોસ્પિટલ પરિસરનું નિરીક્ષણ કરી ઉપલબ્ધ આરોગ્ય સેવાઓની ઝીણવટભરી માહિતી મેળવી હતી. મંત્રીએ મહત્વનો નિર્ણય જાહેર કરતા જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાંથી સ્વજનોને પાર્થિવ દેહ સોંપવાની પ્રક્રિયા વધુ ક્ષતિરહિત અને સુવ્યવસ્થિત બને તે માટે ખાસ નંબર, કોડ પદ્ધતિ અને સ્ક્રીનિંગ સાથેની અદ્યતન વૈજ્ઞાનિક પ્રમાણભૂત કાર્યપ્રણાલી ઘડવામાં આવી છે. આ નવી વ્યવસ્થાનો તત્કાળ અમલ કરવાનો કડક આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત મૃતદેહોની યોગ્ય સાચવણી સુનિશ્ચિત કરવા માટે રૂપિયા સાડા ત્રણ કરોડના ખર્ચે નવી મોર્ચ્યુઅરી અને ફ્રીઝર વ્યવસ્થા આગામી પંદરથી ત્રીસ દિવસમાં કાર્યરત કરી દેવામાં આવશે.

નિરીક્ષણ દરમિયાન મંત્રીએ હોસ્પિટલના અતિ મહત્વના એવા ઇમરજન્સી વોર્ડ, ટ્રોમા કેર સેન્ટર, ઓર્થોપેડિક, મેડિસિન, જનરલ સર્જરી તેમજ ટીબી અને છાતીના રોગના વિભાગોની રૂબરૂ મુલાકાત લીધી હતી. સાથે જ અદ્યતન એમઆરઆઈ સેન્ટર અને ડાયાલિસિસ યુનિટમાં પહોંચીને ક્રિટિકલ કેર સુવિધાઓની સમીક્ષા કરી હતી. સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકતાં મંત્રીએ તાકીદ કરી હતી કે ગરીબ દર્દીઓ સાજા થઈને સંતોષ સાથે ઘરે પરત ફરે તે સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પરિસરમાં પાન-મસાલા ખાઈને પિચકારી મારનાર કે ગંદકી ફેલાવનાર કોઈપણ વ્યક્તિ કે કર્મચારી સામે સુરક્ષા કર્મીઓ દ્વારા સ્થળ પર જ દંડાત્મક પગલાં ભરવામાં આવશે.

મુલાકાતના અંતે મંત્રીએ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉક્ટર કમલસિંહ ડોડીયા સહિત વિવિધ વિભાગોના વડાઓ સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં દર્દીઓ માટે સ્ટ્રેચરની ઉપલબ્ધતા, નિદાન સુવિધાઓ, ટીબીના દર્દીઓની સારવાર, સુરક્ષા વ્યવસ્થા તેમજ માતા અને બાળ મૃત્યુદર ઘટાડવા જેવા મહત્વના વિષયો પર સઘન ચર્ચા કરવામાં આવી હતી. આ તકે દર્દીઓને અપાતી ઉત્કૃષ્ટ સેવાઓ બદલ ડાયાલિસિસ ટીમને બિરદાવવામાં આવી હતી. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી, મુખ્ય તબીબી અધિકારીઓ અને સિવિલ હોસ્પિટલના વરિષ્ઠ તબીબો ઉપસ્થિત રહ્યા હતા.

LATEST ARTICLES