ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષે ફરી એકવાર પોતાનો રાજકીય દબદબો સાબિત કર્યો છે. થરા અને ઓખા નગરપાલિકા સહિત પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકામાં પણ ભાજપે વિજય પતાકા લહેરાવી સત્તાનું સુકાન પોતાના હાથમાં અકબંધ રાખ્યું છે. ગાંધીનગરના ૧૧ વોર્ડની કુલ ૪૪ બેઠકો પર યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપે એકચક્રી શાસન જાળવી રાખતાં ૩૮ બેઠકો પર શાનદાર વિજય મેળવ્યો છે. બીજી તરફ, કોંગ્રેસે પાંચ બેઠકો કબજે કરીને સન્માનજનક વાપસી કરી છે. આ વખતે સામાન્ય મહિલા અનામત બેઠક પર અપક્ષ ઉમેદવાર દીપિકાબા વાઘેલાએ વિજય મેળવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે, જ્યારે આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં ખાતું પણ ખોલાવી શકી નથી.
કુલ ૧૩૦ ઉમેદવારોના રાજકીય ભાવિનો ફેંસલો કરનાર ૫૯.૨૫ ટકા મતદાન બાદ યોજાયેલી મતગણતરીમાં શરૂઆતથી જ ભાજપનો હાથ ઉપર રહ્યો હતો. જોકે, વોર્ડ નંબર ૬માં કોંગ્રેસની આખી પેનલ વિજેતા બનતાં ભારે રસાકસી સર્જાઈ હતી. ભાજપ દ્વારા આ વોર્ડમાં પુનઃ મતગણતરીની માંગણી કરવામાં આવી હતી, પરંતુ આખરી પરિણામમાં કોંગ્રેસના તમામ ઉમેદવારો વિજયી જાહેર થયા હતા.
વર્ષ ૨૦૨૧ની સ્થાનિક ચૂંટણીઓની સરખામણીએ આ પરિણામો કોંગ્રેસ માટે સંજીવની સમાન સાબિત થયા છે. ગત ચૂંટણીમાં માત્ર બે બેઠકો પર સમેટાઈ ગયેલી કોંગ્રેસ આ વખતે પાંચ બેઠકો જીતીને વિરોધ પક્ષના પદ માટે જરૂરી ન્યૂનતમ સંખ્યાબળ મેળવવામાં સફળ રહી છે, જેનાથી ગાંધીનગર મનપામાં કોંગ્રેસને સત્તાવાર વિપક્ષનું સ્થાન મળશે. બીજી તરફ, ગત વખતે ૪૧ બેઠકો જીતનાર શાસક પક્ષ ભાજપને ત્રણ બેઠકોની સામાન્ય ઘટ પડી હોવા છતાં, જંગી બહુમતી સાથે પાટનગરના મતદારોએ ભાજપના શાસન પર ફરી એકવાર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
રાજકારણ
ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો: ૩૮ બેઠકો પર ભવ્ય વિજય, કોંગ્રેસને પાંચ બેઠકો સાથે વિપક્ષનું પદ પ્રાપ્ત
Oct 13, 2026 | 13:01 | By JAMNAGAR MIRROR
