હૉલીવુડના જાણીતા અભિનેતા જ્હોન સ્ટેમોસનું કેલિફોર્નિયામાં આવેલું એક સમયનું આલીશાન ઘર અત્યારે રિયલ એસ્ટેટ માર્કેટમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે. વાત જાણે એમ છે કે આ ભવ્ય પ્રોપર્ટીની કિંમતમાં જબરદસ્ત કડાકો બોલાયો છે અને તે હવે તેની મૂળ કિંમતથી લગભગ અડધા ભાવે વેચાવા માટે મુકાઈ છે. કેલિફોર્નિયાના પોશ એરિયા ગણાતા કલાબાસાસમાં આવેલું આ મેડિટેરિયન સ્ટાઈલનું મેન્શન વર્ષ 2025થી પ્રાઈસ કટનો સામનો કરી રહ્યું છે. એક સમય એવો હતો જ્યારે આ ઘરની આસ્કિંગ પ્રાઇસ આશરે 13 મિલિયન ડોલર જેટલી ઊંચી બોલાતી હતી, પરંતુ સમય જતાં અને માર્કેટના પ્રવાહ વચ્ચે હવે આ કિંમત ઘટીને માત્ર 6.4 મિલિયન ડોલર સુધી આવી ગઈ છે.
આ પ્રોપર્ટીનો ઇતિહાસ પણ મોટો રસપ્રદ છે. ખુદ જ્હોન સ્ટેમોસે આ ઘરને આજથી વર્ષો પહેલા એટલે કે 1991માં માત્ર 430,000 ડોલર આપીને ખરીદ્યું હતું. ત્યારબાદ લાંબો સમય અહીં રહ્યા પછી તેમણે 2001માં આ પ્રોપર્ટી વેચી દીધી હતી. તેમના ગયા પછી ત્યાર બાદના ઓનર્સે આ ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવવા માટે લાખો રૂપિયા ખર્ચીને મોટાપાયે રિનોવેશન પણ કરાવ્યું હતું. ઘરને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું હોવા છતાં, આજની તારીખમાં આટલી હાઈ-એન્ડ અને પર્સનલાઈઝ્ડ રિયલ એસ્ટેટ પ્રોપર્ટી માટે યોગ્ય ખરીદદાર શોધવો લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થઈ રહ્યો છે.
રિયલ એસ્ટેટ એક્સપર્ટ્સનું માનીએ તો, સેલિબ્રિટીઝ સાથે જોડાયેલી આ પ્રકારની લક્ઝરી પ્રોપર્ટીઝની કિંમત ઘણીવાર આસમાને હોય છે, પરંતુ જ્યારે ખરીદવાનો સમય આવે ત્યારે માર્કેટની વાસ્તવિકતા અલગ જ હોય છે. આ કેસ સાબિત કરે છે કે ગમે તેટલું મોંઘું રિનોવેશન કરાવ્યું હોય કે સેલિબ્રિટી કનેક્શન હોય, પણ જો પ્રાઇસિંગ માર્કેટના મૂડ પ્રમાણે સેટ ન થાય તો કરોડોની મિલકતના ભાવ પણ કેવી રીતે અડધા થઈ જાય છે. હાલ તો આ સુંદર મેન્શન ભારેખમ ડિસ્કાઉન્ટ સાથે નવો માલિક શોધવાની રાહ જોઈ રહ્યું છે.
