અમેરિકાના ઓરેગોન રાજ્યના ન્યૂપોર્ટ શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એક સીફૂડ ફેસિલિટી પ્લાન્ટમાં એમોનિયા ટેન્ક ફાટવાથી જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આકાશમાં ઝેરી ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. આ ખતરનાક કેમિકલ લીક થવાના કારણે આસપાસના વિસ્તારમાં મોટો ખળભળાટ મચી ગયો છે. સ્થિતિની ગંભીરતાને જોતા લોકલ પ્રશાસન અને ઈમરજન્સી ટીમો તરત જ હરકતમાં આવી ગઈ છે અને તાત્કાલિક ધોરણે 1.5 માઇલના ઘેરાવમાં આવતા વિસ્તારને ખાલી કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.
આ ઘટના અંગે હેલ્થ એક્સપોર્ટ્સનું કહેવું છે કે એમોનિયા એક એવો રંગહીન ગેસ છે જેની તીવ્ર વાસ હોય છે. જો આ ગેસના સંપર્કમાં વધુ પડતું આવવાનું થાય તો ત્વચા, આંખો અને ગળામાં ભારે બળતરા તેમજ નુકસાન થઈ શકે છે. સદનસીબે અત્યાર સુધી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થયાના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ જોખમ ટાળવા માટે પ્રશાસન કોઈ જ જોખમ લેવા માંગતું નથી. ઈમરજન્સી વિભાગ દ્વારા આસપાસના તમામ લોકોને ઘરમાં જ રહેવા અને આ ઝેરી ધુમાડાના સંપર્કથી દૂર રહેવાની કડક સૂચના આપવામાં આવી છે.
હાલ તો ફાયર ફાઈટર્સ અને હેઝમેટ ટીમો ઘટનાસ્થળે હાજર રહીને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહી છે. પ્રશાસન દ્વારા લોકોને સતર્ક રહેવા અને કોઈપણ અફવાઓથી દૂર રહીને સ્થાનિક પ્રશાસનની ગાઇડલાઇન્સનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. આ દુર્ઘટનાને કારણે ન્યૂપોર્ટ શહેરમાં થોડા સમય માટે ભયનો માહોલ છવાઈ ગયો છે, પરંતુ સુરક્ષા એજન્સીઓ સ્થિતિને થાળે પાડવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.
