JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પરિણામ: થરા અને ઓખા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, વિપક્ષના સૂપડાં સાફ

Oct 13, 2026 | 12:52 | By JAMNAGAR MIRROR
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પરિણામ: થરા અને ઓખા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, વિપક્ષના સૂપડાં સાફ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો જાહેર થતાં જ ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાનો રાજકીય દબદબો સાબિત કર્યો છે. બનાસકાંઠા જિલ્લાની થરા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપે શાનદાર વિજય મેળવીને સત્તા જાળવી રાખી છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. દેવભૂમિ દ્વારકાની ઓખા પાલિકામાં ભાજપે છેલ્લા બે દાયકાથી ચાલી આવતા પોતાના અભેદ્ય ગઢને વધુ મજબૂત કર્યો છે. કુલ ૯ વોર્ડની ૩૬ બેઠકોમાંથી ભાજપે પ્રચંડ બહુમતી સાથે ૩૩ બેઠકો પર વિજયધ્વજ લહેરાવ્યો છે, જ્યારે કોંગ્રેસ માત્ર ૩ બેઠકો પર સમેટાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ઓખામાં વોર્ડ નંબર-૪ ના તમામ ચાર ઉમેદવારો અગાઉ જ બિનહરીફ વિજેતા બન્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટી પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી.
બીજી તરફ, બનાસકાંઠાની થરા નગરપાલિકામાં પણ મતદારોએ વિકાસની રાજનીતિ પર મહોર લગાવી છે. થરા પાલિકાના ૬ વોર્ડની કુલ ૨૪ બેઠકો પર ૫૯ ઉમેદવારો વચ્ચે થયેલા ચૂંટણી જંગમાં મતગણતરીના પ્રારંભથી જ ભાજપના ઉમેદવારો આગળ રહ્યા હતા. પરિણામો અંતર્ગત ભાજપે ૨૪માંથી ૧૯ બેઠકો જીતીને બહુમતી સાથે સત્તા કબજે કરી છે. શરૂઆતના વલણોમાં પાછળ રહેલી કોંગ્રેસે અંતે વોર્ડ નંબર-૬ માં આખી પેનલનો વિજય મેળવી કુલ ૫ બેઠકો હાંસલ કરી છે. થરામાં પણ આમ આદમી પાર્ટીનું સદંતર ધોવાણ થયું છે. આમ, એક બેઠકના સામાન્ય નુકસાન સાથે ભાજપે થરામાં ફરી સત્તા પર પુનરાગમન કરીને વિપક્ષને મોટો ફટકો આપ્યો છે.

LATEST ARTICLES