લોકપ્રિય ફિલ્મ શ્રેણી ‘દ્રશ્યમ’માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અભિનેત્રી ઇશિતા દત્તાએ તાજેતરમાં પોતાના જીવનના અત્યંત પડકારજનક અને પીડાદાયક તબક્કા વિશે ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ જણાવ્યું કે પોતાની બીજી ગર્ભાવસ્થા દરમિયાન તેને અત્યંત ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ બીમારી અને ત્યારબાદ કરાવવી પડેલી શસ્ત્રક્રિયાના પરિણામે માત્ર ૪૦ દિવસના ટૂંકા ગાળામાં તેનું ૧૫ કિલો જેટલું વજન ઘટી ગયું હતું. ઇશિતાએ સ્પષ્ટતા કરી છે કે આ વજન ઘટાડો કોઈ આયોજિત આહાર કે ફિટનેસનું પરિણામ નહોતો, પરંતુ અસહ્ય શારીરિક વેદના અને બીમારીની ગંભીર આડઅસર હતી.
વિગતો મુજબ, ઇશિતા દત્તા અને તેના પતિ વત્સલ સેઠના પરિવારમાં બીજી બાળકીના જન્મ પહેલાં ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં તેની તબિયત અચાનક બગડી ગઈ હતી. તબીબી તપાસમાં તેના પિત્તાશયમાં પથરી હોવાનું નિદાન થયું હતું. આ સમસ્યાને કારણે તેને અવારનવાર અસહ્ય દુખાવો થતો હતો. તે સમયે ગર્ભાવસ્થાને ધ્યાને રાખીને તબીબો તાત્કાલિક સર્જરી કરી શકે તેમ નહોતા. જેથી પુત્રીના જન્મના આશરે એક મહિના બાદ પિત્તાશયની સર્જરી કરવામાં આવી હતી. એકસાથે ડિલિવરી અને સર્જરીના કારણે તેનું શરીર અત્યંત અશક્ત થઈ ગયું હતું અને તેને સામાન્ય સ્થિતિમાં પાછા ફરવા માટે આશરે છ મહિનાનો સમય લાગ્યો હતો.
પોતાના દર્દનાક અનુભવને યાદ કરતાં અભિનેત્રીએ જણાવ્યું કે, લોકો તેના ઝડપી વજન ઘટાડાને એક મોટી સિદ્ધિ તરીકે જોતા હતા, પરંતુ વાસ્તવમાં આ સમગ્ર પ્રક્રિયા શારીરિક અને માનસિક રીતે ખૂબ ત્રાસદાયક હતી. તેમણે જણાવ્યું કે આવી કપરી પરિસ્થિતિમાંથી કોઈએ પણ પસાર થવું ન પડે. ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી હાલમાં પોતાની નવી ફિલ્મ ‘દ્રશ્યમ ૩’ને લઈને પણ ભારે ચર્ચામાં છે, જેમાં તે અજય દેવગણ, તબ્બુ અને શ્રિયા સરન જેવા જાણીતા કલાકારો સાથે ફરી એકવાર અભિનયના ઓજસ પાથરતી જોવા મળી રહી છે.
