દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં ટ્રાફિક પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી નિર્દોષ વાહનચાલકો પાસેથી બળજબરીપૂર્વક નાણાં પડાવતા એક અસામાજિક તત્વને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગત બીજી ઓક્ટોબરના રોજ એક વાહનચાલક પોતાની મોટરસાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે માર્ગ પર એક અજાણ્યા શખ્સે તેમને અટકાવ્યા હતા. આ શખ્સે પોતે ટ્રાફિક પોલીસ વિભાગમાં ફરજ બજાવતો હોવાનો ખોટો રોફ જમાવી, વાહનચાલકને ટ્રાફિક નિયમોના ભંગ બદલ મોટો દંડ ભરવો પડશે તેવી ધમકી આપી હતી. કાયદાકીય કાર્યવાહીનો ભય બતાવી આ ગઠીયાએ વાહનચાલક પાસેથી બળજબરીથી રૂપિયા પાંચસો પડાવી લીધા હતા. છેતરાયા હોવાનો અહેસાસ થતાં ભોગ બનનાર દ્વારા ખંભાળિયા પોલીસ મથકમાં આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ બનાવને પગલે રેન્જ આઈજી નિર્લિપ્ત રાય, જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા તથા નાયબ પોલીસ અધિક્ષક પ્રખરકુમાર દ્વારા ખંભાળિયા વિભાગમાં સક્રિય અસામાજિક તત્વો અને આવા ગુનાખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરવા આદેશ આપવામાં આવ્યા હતા. આ માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર સી.આર. રાણાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.ટી. ચાવડા અને તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પોલીસકર્મીઓ હેમતભાઈ, વિરેન્દ્રસિંહ અને કાનાભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, પોલીસના સ્વાંગમાં તોડ કરનાર આ શખ્સ હાઈવે માર્ગ પરથી પસાર થવાનો છે.
ચોક્કસ બાતમીના આધારે પોલીસે કુવાડિયા પાટિયા નજીક હાઇવે પર વ્યુહાત્મક રીતે વોચ ગોઠવી હતી. બાતમી મુજબનો શંકાસ્પદ શખ્સ ત્યાં આવતાં જ સતર્ક પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન પકડાયેલા આરોપીની ઓળખ ખંભાળિયા તાલુકાના વડત્રા ગામના લીમડા ચોક વિસ્તારમાં રહેતા શક્તિસિંહ પ્રતાપસિંહ જાડેજા તરીકે થઈ છે. પોલીસે આરોપીની અટકાયત કરી તેની સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે, તેમજ તેણે ભૂતકાળમાં અન્ય કોઈ નાગરિકોને આ પ્રકારે નિશાન બનાવ્યા છે કે કેમ તે દિશામાં પણ પૂછપરછ શરૂ કરી છે.
