JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

થાનગઢ પંથકમાં ગેરકાયદે ખનન માફિયાઓ સામે લાલ આંખ: ૨.૬૮ કરોડની ખનીજચોરી મામલે ૨૪ શખ્સો સામે ફોજદારી ગુનો દાખલ

Oct 10, 2026 | 04:56 | By JAMNAGAR MIRROR
થાનગઢ પંથકમાં ગેરકાયદે ખનન માફિયાઓ સામે લાલ આંખ: ૨.૬૮ કરોડની ખનીજચોરી મામલે ૨૪ શખ્સો સામે ફોજદારી ગુનો દાખલ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં બેફામ બનેલા ગેરકાયદેસર ખનન માફિયાઓ વિરુદ્ધ વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસ અને ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા હાથ ધરાયેલા દરોડા બાદ થાન પોલીસ મથકે રૂપિયા ૨.૬૮ કરોડથી વધુની ખનીજચોરી મામલે બે મહિલાઓ સહિત કુલ ૨૪ શખ્સો સામે ત્રણ અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા છે. આ દરોડા દરમિયાન ગેરકાયદે ખનન માટે વપરાતો રૂપિયા ૧.૧૦ કરોડનો જંગી મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો, જેનાથી ખનીજ ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

જિલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ, પેરોલ ફર્લો સ્ક્વોડ, નાયબ પોલીસ અધિક્ષકની ટીમ, સ્થાનિક પોલીસ અને ખાણ-ખનીજ કચેરીના અધિકારીઓએ સાથે મળીને થાન ગ્રામ્ય વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું. આ તપાસ દરમિયાન જામવાળી ગામના સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખોદવામાં આવેલા ૧૩ ઊંડા કૂવા મળી આવ્યા હતા, જેમાંથી રૂપિયા ૯૫.૭૯ લાખથી વધુની કિંમતનું ખનીજ ચોરાયું હોવાનું ખુલતાં અરવિંદ સાતોલા, વેરશી પરમાર સહિત આઠ શખ્સો સામે નામજોગ ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત, જામવાળીના અન્ય સર્વે નંબરમાં પણ ૨૦ ગેરકાયદે કૂવા બનાવી તેમાંથી રૂપિયા ૧.૪૩ કરોડથી વધુની ખનીજચોરી કરવા બદલ અજાણ્યા તત્ત્વો સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સંયુક્ત ટીમ દ્વારા અન્ય એક દરોડામાં ખાખરાળી ગામે ગેરકાયદેસર રીતે બનાવાયેલા ૫ કૂવાઓ ઝડપી લેવાયા હતા. આ સ્થળેથી રૂપિયા ૨૯.૧૬ લાખની ખનીજ સંપત્તિનું ગેરકાયદે ખનન કરવા બદલ બે મહિલાઓ સહિત સોળ શખ્સો સામે કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર મામલે ત્રણેય દરોડામાં મળીને કુલ રૂપિયા ૨,૬૮,૧૫,૫૭૦ની ખનીજચોરીનો પર્દાફાશ થયો છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસર ગુનો નોંધીને તેઓની તાત્કાલિક ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા વધુ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

LATEST ARTICLES