ઉત્તરાખંડના ન્યૂ ટિહરીમાં તાજેતરમાં જ એક લાઈવ કોન્સર્ટ દરમિયાન મંત્રી સાથે થયેલા વિવાદને કારણે પીઢ પંજાબી સિંગર દલેર મહેંદી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે. આ ઘટના બાદ જ્યાં એક તરફ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી અને ફેન્સ તેમના સમર્થનમાં આવ્યા છે, તો બીજી તરફ સામાન્ય લોકોના મનમાં પણ આ ‘ભાંગડા કિંગ’ની પર્સનલ લાઈફ, પરિવાર અને તેમની કમાણી વિશે જાણવાની ભારે ઉત્સુકતા જાગી છે. 'બોલો તા રારા', 'તુનક તુનક તુન' અને 'હો જાયેગી બલ્લે બલ્લે' જેવા સુપરહિટ ગીતોથી 90ના દશકથી લઈને આજદિન સુધી કરોડો દિલ પર રાજ કરનાર દલેર મહેંદી ખરેખર કેટલા કરોડના માલિક છે અને તેમનો પરિવાર કેવો છે, આવો જાણીએ.
18 ઓગસ્ટ 1967ના રોજ પટનાના એક પંજાબી શીખ પરિવારમાં જન્મેલા દલેર સિંહ ઉર્ફે દલેર મહેંદીએ ભારતીય પોપ સંગીતને વૈશ્વિક સ્તરે નવી જ ઓળખ અપાવી છે. બોલિવૂડ સંગીતથી હટકીને સ્વતંત્ર પંજાબી પોપ મ્યુઝિકને ઘર-ઘર સુધી પહોંચાડવામાં તેમનું યોગદાન અદ્ભુત રહ્યું છે. સ્ટેજ પર તેમની ખાસ પાઘડી, લાંબા ઝભ્ભા અને દમદાર નૃત્ય શૈલીએ તેમને દેશના સૌથી મોંઘા અને લોકપ્રિય સ્ટેજ કલાકાર બનાવ્યા છે. અહેવાલો મુજબ, સંગીતની દુનિયાના આ દિગ્ગજ કલાકાર આજે આશરે 165 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. વર્ષ 1994માં કઝાકિસ્તાનના અલ્માટીમાં યોજાયેલી 'વોઈસ ઓફ એશિયા' સ્પર્ધામાં પુરસ્કાર જીતીને તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કર્યું હતું. સંગીત ઉપરાંત તેઓ વર્ષ 2019માં રાજકારણમાં પણ સક્રિય થયા હતા અને ભાજપમાં જોડાયા હતા.
દલેર મહેંદીના પરિવારની વાત કરીએ તો, સંગીત તેમના લોહીમાં વણાયેલું છે. તેઓ કુલ 6 ભાઈઓ છે, જેમાં જાણીતા સિંગર મીકા સિંહ અને શમશેર સિંહ પણ સામેલ છે. વર્ષ 1991માં તેમણે પોતાના ભાઈઓ, પિતરાઈ ભાઈઓ અને મિત્રોને સાથે રાખીને એક મ્યુઝિક ગ્રુપ પણ બનાવ્યું હતું. તેમની પત્ની તરણપ્રીત કૌર હંમેશા તેમના દરેક પર્સનલ અને પ્રોફેશનલ નિર્ણયોમાં પડખે ઊભી રહીને મજબૂત આધાર પૂરો પાડે છે. દલેર મહેંદી અને તરણપ્રીત કૌરને કુલ 4 સંતાનો છે, જેમાં ગુરદીપ મહેંદી, અજીત કૌર મહેંદી, પ્રભજોત કૌર મહેંદી અને રબાબ કૌર મહેંદીનો સમાવેશ થાય છે. આજે આ મોટો પરિવાર વૈભવી જીવનશૈલી જીવી રહ્યો છે અને દલેર મહેંદી સંગીત જગતમાં એક મોટું નામ બનીને ચમકી રહ્યા છે.
