સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલા દોતડ ગામમાંથી ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવેલો નશાકારક ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાની સીધી સૂચના હેઠળ એન્ટી નાર્કોટિક્સ વિભાગની ટીમે દરોડો પાડીને ખેતરમાંથી અંદાજે રૂપિયા ૬.૫૭ લાખથી વધુની કિંમતનો ૧૩.૧૪૩ કિલોગ્રામ લીલો ગાંજો જપ્ત કર્યો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા એક શખ્સની અટકાયત કરી તેની સામે નાર્કોટિક્સ કાયદા હેઠળ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, એન્ટી નાર્કોટિક્સ ટીમના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, દોતડ ગામમાં માર્ગની બાજુમાં રહેતો પ્રવીણ બાબુભાઈ તરાલ નામનો શખ્સ પોતાના મકાન નજીક આવેલા ભોગવટાવાળા ખેતરમાં કોઈપણ જાતની પાસ-પરમિટ કે મંજૂરી વિના માદક પદાર્થ ગાંજાનું ગેરકાયદે વાવેતર કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાબડતોબ દોતડ ગામે પહોંચી ખેતરમાં તપાસ શરૂ કરી હતી.
પોલીસની તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આરોપીએ પોલીસ તેમજ સ્થાનિક લોકોની નજરથી બચવા માટે કપાસના પાકની આડમાં ગાંજાના છોડ વાવ્યા હતા. ખેતરમાંથી પોલીસે ૧૩.૧૪૩ કિલો વજન ધરાવતા ગાંજાના ૧૦ જેટલા મોટા લીલા છોડ શોધી કાઢ્યા હતા. આ જથ્થાની બજાર કિંમત રૂપિયા ૬,૫૭,૧૫૦ આંકવામાં આવી છે. આરોપીની સઘન પૂછપરછ કરાતાં તેણે કપાસના વાવેતર વચ્ચે નશાકારક ગાંજાની ખેતી કરી હોવાની કબૂલાત કરી લીધી હતી.
પોલીસે સમગ્ર મુદ્દામાલ કબ્જે કરી આરોપી પ્રવીણ તરાલની ધરપકડ કરીને તેને વધુ કાયદેસરની કાર્યવાહી માટે પોશીના પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. આ શખ્સ સામે ધી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને આ ગાંજો ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસના આ ઓપરેશનને પગલે પંથકમાં ગેરકાયદેસર નશાનો વેપલો કરતા અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
