JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

ભરૂચના ખાનપુર દેહમાં પોલીસના દરોડા: ૮૦ કિલો શંકાસ્પદ ગૌમાંસ સાથે ત્રણ શખ્સો ઝડપાયા, જીવિત ગાય મુક્ત કરાવાઈ

Oct 10, 2026 | 03:37 | By JAMNAGAR MIRROR
ભરૂચના ખાનપુર દેહમાં પોલીસના દરોડા: ૮૦ કિલો શંકાસ્પદ ગૌમાંસ સાથે ત્રણ શખ્સો ઝડપાયા, જીવિત ગાય મુક્ત કરાવાઈ

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ખાનપુર દેહ ગામે ગેરકાયદેસર ગૌવંશ કતલ પ્રવૃત્તિ સામે પોલીસે લાલ આંખ કરી મોટી કાર્યવાહી હાથ ધરી છે. જંબુસર પોલીસે ચોક્કસ બાતમીના આધારે ઉપરાઉપરી દરોડા પાડીને કુલ ૮૦ કિલો જેટલો શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન કતલ કરવાના ઈરાદે બાંધવામાં આવેલી એક ગાયને હેમખેમ બચાવી લેવામાં આવી હતી તથા કતલ કરાયેલા ગૌવંશના અવશેષો પણ કબજે કરવામાં આવ્યા હતા. પોલીસે આ ગંભીર ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.

પોલીસ દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ, ખાનપુર દેહ ગામના લીંબડી ફળિયા વિસ્તારમાં આવેલા એક મકાનના પાછળના વાડામાં ગૌવંશ કતલની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમી મળી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર પી.જે. ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.બી. રાઠવાની આગેવાની હેઠળની ટીમે તાત્કાલિક છાપો માર્યો હતો. સ્થળ પરથી આશરે ૪૦ કિલો શંકાસ્પદ ગૌમાંસ, ગૌવંશના અવશેષો અને એક જીવિત ગાય મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી સલમાન કાદર ઉંમરજી રખા નામના શખ્સને ઝડપી પાડી તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ઝડપાયેલા આરોપીની સઘન પૂછપરછ દરમિયાન ગામના અન્ય એક રહેણાંક મકાનમાં પણ આવો જ શંકાસ્પદ માંસનો જથ્થો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પોલીસે તુરંત જ આરોપીને સાથે રાખીને બીજા મકાનમાં દરોડો પાડતા ત્યાંથી વધુ ૪૦ કિલો શંકાસ્પદ ગૌમાંસ મળી આવ્યું હતું. આ બીજા દરોડા સંદર્ભે પોલીસે સલમાન અબ્દુલ્લાહ તેમજ તેના પિતા અબ્દુલ્લાહ ખલજીની અટકાયત કરી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

દરોડા દરમિયાન સદ્દામ એહમદ ઉંમરજી રખા નામનો અન્ય એક આરોપી પોલીસને ચકમો આપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કરી વોન્ટેડ જાહેર કર્યો છે. જપ્ત કરાયેલા બંને સ્થળના કુલ ૮૦ કિલો શંકાસ્પદ ગૌમાંસના નમૂનાઓ પુષ્ટિ અર્થે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. સમગ્ર પંથકમાં આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે.

LATEST ARTICLES