ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના પીઠાઈ ગામે અનાજના વેપારીને સરકારી અનાજની ગેરકાયદે ખરીદીનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ચાલીસ હજાર રૂપિયાની ખંડણી માંગવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. પોતાને પત્રકાર ગણાવી તોડ કરવા આવેલા અમદાવાદના ત્રણ ઈસમો સામે પોલીસે ગુનો દાખલ કરીને બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
સમગ્ર બનાવની વિગત મુજબ, પીઠાઈ ગામમાં આવેલી અનાજની પેઢી પર નોકરી કરતા જાવેદભાઈ ચુવાણે નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગત બપોરે એક કારમાં બે પુરુષ અને એક મહિલા આવી પહોંચ્યા હતા. તેમણે પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી ગોડાઉનના સંચાલક પર આક્ષેપ કર્યો હતો કે તેઓ આસપાસના ગામોમાંથી સરકારી સસ્તું અનાજ ખરીદે છે. આ કથિત ગેરરીતિનો વીડિયો જાહેર કરી વેપારીને બદનામ કરવાની તેમજ ગોડાઉનમાં સરકારી દરોડા પડાવવાની ધમકી આપીને તેમણે રૂપિયા ચાલીસ હજારની માંગણી કરી હતી.
કર્મચારીએ પોતાના શેઠ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરતા આ ત્રણેય તત્વો ઉશ્કેરાઈ ગયા હતા અને ગોડાઉનનું વીડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું હતું. કર્મચારીએ વીડિયો ઉતારવાની ના પાડતા બોલાચાલી કરીને તેને જમીન પર પાડી દઈ શરીરે લાતો મારી મારપીટ કરવામાં આવી હતી તેમજ ખિસ્સામાંથી બળજબરીથી રોકડ પડાવવાનો પ્રયાસ કરાયો હતો. આ દરમિયાન ગોડાઉનના મજૂરો દોડી આવતા કર્મચારીનો બચાવ થયો હતો. ત્યારબાદ તાત્કાલિક પોલીસ હેલ્પલાઈન પર જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તમામને પોલીસ મથકે લઈ જવાયા હતા.
પોલીસ પૂછપરછ દરમિયાન પકડાયેલા શખ્સો પાસેથી સરકાર માન્ય પત્રકાર ઓળખકાર્ડ મળી આવ્યા નહોતા. કઠલાલ પોલીસે આ મામલે અમદાવાદ સ્થિત સંજય ઈન્દ્રકેશ રાજનારાયણ પાંડે અને મધુ રાજારામ કુરીલની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે અંકિત મહેશભાઈ વ્યાસ નામના અન્ય એક શખ્સની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. વેપારીઓ અને દુકાનદારોને ડરાવી-ધમકાવી ખંડણી ઉઘરાવતી આ ટોળકીના અન્ય કારનામાઓ અંગે પણ પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.
