JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

ગાંધીનગરમાં પ્રેમસંબંધમાં આડખીલીરૂપ પત્નીની પતિએ પ્રેમિકા સાથે મળી ગળેટૂંપો આપી હત્યા કરી, કુદરતી મોત દર્શાવવાનો કારસો નિષ્ફળ

Oct 10, 2026 | 02:56 | By JAMNAGAR MIRROR
ગાંધીનગરમાં પ્રેમસંબંધમાં આડખીલીરૂપ પત્નીની પતિએ પ્રેમિકા સાથે મળી ગળેટૂંપો આપી હત્યા કરી, કુદરતી મોત દર્શાવવાનો કારસો નિષ્ફળ

રાજ્યના પાટનગર ગાંધીનગરના સેક્ટર-૪ માં પતિએ પોતાની પ્રેમિકા સાથે મળીને પત્નીનું કાસળ કાઢી નાખવાની અત્યંત ચકચારી ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધમાં બાધારૂપ બનતી પરિણીતાની હત્યા કર્યા બાદ હત્યારાઓએ સમગ્ર મામલાને કુદરતી મોત અથવા અકસ્માતમાં ખપાવી દેવાનો પૂર્વયોજિત કારસો રચ્યો હતો. જોકે, મૃતક મહિલાના ગળા પર રહેલા ઈજાના ગંભીર નિશાનોએ હત્યારાઓના પાપનો પર્દાફાશ કરી દીધો હતો. આ મામલે મૃતકના પિતરાઈ ભાઈની ફરિયાદના આધારે સેક્ટર-૭ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પતિ અને તેની પ્રેમિકાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

મળતી વિગતો અનુસાર, મૂળ વિરમગામ તાલુકાના ઓગણ ગામના વતની રોહિતજી રમેશજી ઠાકોરના લગ્ન વર્ષ ૨૦૧૨ માં શિયાળ ગામની સંગીતા સાથે થયા હતા. ૧૪ વર્ષના લગ્નજીવન દરમિયાન આ દંપતીને ચાર સંતાનો છે. લગ્ન બાદ રોહિત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે ગાંધીનગર આવ્યો હતો. અહીં સેક્ટર-૨૨ સ્થિત લાઈબ્રેરીમાં વાંચન દરમિયાન તેની ઓળખાણ દાહોદના ફતેપુરા તાલુકાના ગઢરા ગામની વતની વર્ષા પારગી સાથે થઈ હતી. બંને વચ્ચે આંખ મળી જતાં પ્રેમ સંબંધ બંધાયો હતો અને તેઓ સેક્ટર-૪ એ માં ભાડાના મકાનમાં સાથે રહેવા લાગ્યા હતા.

તાજેતરમાં સંગીતા પોતાના બાળકો સાથે ગાંધીનગર આવી ત્યારે તેને પતિના આ અનૈતિક સંબંધોની ગંધ આવી ગઈ હતી અને ફોન પર વાતચીત પકડાતાં દંપતી વચ્ચે ભારે ઝઘડો થયો હતો. પોતાની પ્રેમ કહાણીમાં સંગીતા કાંટારૂપ બનતી હોવાથી રોહિત અને વર્ષાએ તેને પતાવી દેવાનું કાવતરું ઘડ્યું હતું. સવારે ઘરમાં જ હાથરૂમાલ વડે ગળેટૂંપો આપી સંગીતાની કરપીણ હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ દવા પ્રતિકૂળ આવી ગઈ હોવાનું નાટક કરી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જોકે, મૃતકના પિતરાઈ ભાઈ મેરૂભાઈ વાસણિયાએ ગળા પરના નિશાન જોઈ કડકાઈથી પૂછતાં રોહિત ભાંગી પડ્યો હતો અને હત્યાની કબૂલાત કરી હતી. આ ઘટનાથી ચાર માસૂમ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવતા અરેરાટી વ્યાપી ગઈ છે.

LATEST ARTICLES