ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા અંતર્ગત આવતા બોરીસણા ગામમાં પ્રેમસંબંધની શંકા અને મોબાઈલ ફોનના વિવાદે લોહીયાળ વળાંક લીધો છે. બોરીસણા ગામે સામાન્ય બાબતમાં થયેલી ઉગ્ર બોલાચાલી બાદ પાંચ જેટલા શખ્સોએ એક યુવક પર ઘાતકી હુમલો કરી તેને પેટના ભાગે તીક્ષ્ણ છરી હુલાવી દીધી હતી. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા નિર્દોષ યુવકનું કરુણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે અને શાંત ગામમાં શોક સાથે અરેરાટીનો માહોલ છવાઈ ગયો છે.
સમગ્ર બનાવની વિગત એવી છે કે, બોરીસણા ગામમાં રહેતા મિતલબેન પોપટજી ઠાકોરના પુત્ર કરણનો મોબાઈલ ફોન ગામની એક સગીરા પાસે હતો. આ મોબાઈલ બાબતે પ્રેમસંબંધ હોવાની શંકા રાખીને બંને પરિવારો વચ્ચે તણાવ સર્જાયો હતો. આ મામલે સ્પષ્ટતા કરવા અને ફોન પાછો મેળવવા માટે મિતલબેન પોતાના બીજા પુત્ર રાકેશ ઉર્ફે લાલા સાથે અમરતબેન બાલાજી ઠાકોરના ઘરે ગયા હતા. ત્યાં બંને પક્ષો વચ્ચે બોલાચાલી થતાં મામલો વધુ બિચક્યો હતો.
તકરાર દરમિયાન અમરતબેનનો પુત્ર ભાવેશ બાલાજી ઠાકોર, જીતુ દિનેશજી ઠાકોર, કિશન વિષ્ણુજી ઠાકોર અને જયમીન નાયક ત્યાં ધસી આવ્યા હતા. આ શખ્સોએ રાકેશ પર હિંસક હુમલો કર્યો હતો. જેમાં અન્ય સાગરીતોએ રાકેશને પકડી રાખ્યો હતો, જ્યારે ભાવેશ ઠાકોરે પોતાની પાસે રહેલી તીક્ષ્ણ છરી વડે રાકેશના પેટના ભાગે જીવલેણ ઘા ઝીંકી દીધો હતો. ગંભીર ઈજાના પગલે યુવક લોહીલુહાણ હાલતમાં સ્થળ પર જ ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક સારવાર અર્થે કલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ ચકચારી હત્યાની જાણ થતાં જ તાલુકા પોલીસ મથકનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મૃતકની માતાની ફરિયાદના આધારે પોલીસે અમરતબેન ઠાકોર, ભાવેશ ઠાકોર, જીતુ ઠાકોર, કિશન ઠાકોર અને જયમીન નાયક સામે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટે કાયદેસરની તજવીજ હાથ ધરી છે.
