હરિયાણાના ફરીદાબાદમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતા એક ૧૭ વર્ષીય સગીર વિદ્યાર્થીનો તેની સહાધ્યાયી સગીરાના ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં ફાંસો ખાધેલો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો અને સ્થાનિક લોકોના ટોળાએ ભારે હોબાળો મચાવ્યો હતો. આક્રોશે ભરાયેલા ટોળાએ વિદ્યાર્થીનીના ઘર પર હુમલો કરીને તોડફોડ કરી હતી અને ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો હતો. આ હિંસક અથડામણમાં બે પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પરિસ્થિતિ વણસતાં સમગ્ર વિસ્તારમાં શાંતિ જાળવવા માટે તાબડતોબ વધારાનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ચકચારી ઘટના ટીટુ કોલોની વિસ્તારના શિવશક્તિ એન્ક્લેવમાં ગુરુવારે રાત્રે બની હતી. મૃતક વિદ્યાર્થી અર્જુન સાંઈ નગર પાર્ટ-૨ વિસ્તારનો રહેવાસી હતો. માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોતાના કબજામાં લીધો હતો. બીજી તરફ, બિહારના નાલંદા જિલ્લાના વતની અને મૃતકના પિતા ભૂષણે આક્ષેપ કર્યો છે કે તેમના પુત્રની હત્યા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે અર્જુન ગુરુવારે બપોરે બે વાગ્યે શાળાએથી ઘરે પરત ફર્યો હતો અને આશરે અઢી વાગ્યે એક યુવક તેને બોલાવી ગયો હતો. ત્યારબાદ સાંજે સાડા ચાર વાગ્યે એક અજાણી મહિલાએ ફોન કરીને અર્જુનનું મોત થયું હોવાની જાણ કરી હતી.
પરિવારજનોના જણાવ્યા અનુસાર અર્જુન અને આ વિદ્યાર્થીની છેલ્લા બે વર્ષથી એકબીજાને ઓળખતા હતા અને આ બાબતે અગાઉ તેમની શાળામાં પણ બેઠક યોજાઈ ચૂકી હતી. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બીકે હોસ્પિટલ ખસેડ્યો છે. સમગ્ર મામલે આ હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ સાથે જ પોલીસ પર પથ્થરમારો કરનારા અને કાયદો હાથમાં લેનારા અસામાજિક તત્વો સામે પણ કડક કાનૂની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
