નમસ્કાર વાચક મિત્રો, દિલ્હીની હાઇ-પ્રોફાઇલ જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાંથી આ દિવસોમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં કેમ્પસની અંદર સ્ટુડન્ટ યુનિયન ઇલેક્શન પાછા લાવવાની જીદ પકડીને બેઠેલા વિદ્યાર્થીઓનો આંદોલન હવે વધુ ઉગ્ર બની ગયું છે. આજે આ વિરોધ પ્રદર્શનનો 14મો દિવસ હતો અને સ્થિતિ એટલી હદે વણસી કે આખરે પોલીસને વચ્ચે પડવું પડ્યું છે. કેમ્પસની અંદર વગર પરવાનગીના ઘુસણખોરી કરવા અને દીવાલો પર સૂત્રો લખીને તેને ખરાબ કરવા મામલે પોલીસ ચોપડે ગુનો નોંધાઈ ચૂક્યો છે.
બનાવની વિગત એવી છે કે યુનિવર્સિટીમાં છેલ્લા 2 અઠવાડિયાથી માહોલ ગરમાયેલો છે. સેંકડોની સંખ્યામાં વર્તમાન વિદ્યાર્થીઓ અને પાસ આઉટ થઈ ચૂકેલા એલ્યુમની એટલે કે પૂર્વ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના ગેટ બહાર એકઠા થઈને જોરદાર સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. વિદ્યાર્થીઓની સ્પષ્ટ માગ છે કે વર્ષોથી બંધ પડેલી સ્ટુડન્ટ યુનિયન ઇલેક્શનની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે ફરીથી શરૂ કરવામાં આવે. વિદ્યાર્થીઓ પીછેહઠ કરવારા તૈયાર નથી અને સતત 14મા દિવસે પણ તેમનો વિરોધ ચાલુ જ રાખ્યો છે.
બીજી બાજુ, યુનિવર્સિટી વહીવટી તંત્ર દ્વારા પણ સ્થિતિને કાબૂમાં લેવા માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. તંત્રએ કેમ્પસના તમામ ગેટ બંધ કરી દીધા છે અને લાઇબ્રેરીઓ પણ તાળાં મારીને બંધ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓની ભીડ અને હોબાળો ન વધે તે માટે યુનિવર્સિટીના તમામ રેગ્યુલર ક્લાસિસને હંગામી ધોરણે ઓનલાઇન મોડ પર શિફ્ટ કરી દેવામાં આવ્યા છે જેથી વિદ્યાર્થીઓ કેમ્પસમાં ભેગા ન થાય. જોકે, તેમ છતાં ઓનલાઇન ભણતરની વચ્ચે પણ સેંકડો યુવાનો કેમ્પસની બહાર અથવા આસપાસના વિસ્તારમાં દેખાઈ રહ્યા છે.
આ ભારે દેખાવો અને હલ્લાબોલ વચ્ચે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવી દેવામાં આવી છે. યુનિવર્સિટીની ચારેય બાજુ પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક લોકોએ યુનિવર્સિટી પરિસરમાં અનધિકૃત રીતે એન્ટ્રી કરી હતી અને કેમ્પસની દીવાલો પર વિવિધ સૂત્રો લખીને તેને વિરૂપ કરી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને પોલીસ દ્વારા હવે સત્તાવાર રીતે એફઆઈઆર નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હાલ તો સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ શાંતિ જોવા મળી રહી છે અને પોલીસ સમગ્ર સ્થિતિ પર ખાસ નજર રાખી રહી છે.
