JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

અમેરિકાના મિશિગનમાં સિરિયલ કિલરનો ખૌફ: ૧૦ મહિનામાં પાંચ બેઘર લોકોની ક્રૂર હત્યાથી સનસનાટી

Oct 09, 2026 | 19:22 | By JAMNAGAR MIRROR
અમેરિકાના મિશિગનમાં સિરિયલ કિલરનો ખૌફ: ૧૦ મહિનામાં પાંચ બેઘર લોકોની ક્રૂર હત્યાથી સનસનાટી

અમેરિકાના મિશિગન રાજ્યમાં આવેલા લેન્સિંગ શહેરમાં અજાણ્યા સિરિયલ કિલરની દહેશતથી ભારે ચકચાર મચી ગઈ છે. લેન્સિંગ રિવર ટ્રેલ વિસ્તારમાંથી છેલ્લા દસ મહિનાના ગાળામાં પાંચ અસહાય અને બેઘર પુરુષોના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતાં પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે. તમામ મૃતકોની સ્થિતિ અને તેમના પર થયેલા ઘાતક હુમલાઓમાં એક ચોક્કસ પેટર્ન જોવા મળતાં, પોલીસને મજબૂત આશંકા છે કે કોઈ વિકૃત માનસિકતા ધરાવતો સિરિયલ કિલર આ હત્યાકાંડ પાછળ સક્રિય છે.

પોલીસ વડાના જણાવ્યા અનુસાર, આ તમામ ઘટનાઓ ઑક્ટોબરથી ઑગસ્ટ દરમિયાન બની છે, જેમાં ચાર હત્યાઓ તો છેલ્લા બે મહિનામાં જ અંજામ આપવામાં આવી છે. મૃતકો ૨૨ થી ૭૦ વર્ષની વયજૂથના હતા અને તે તમામ લેન્સિંગ વિસ્તારમાં આશ્રયહીન જીવન જીવતા હતા. તપાસકર્તાઓના મતે, વહેલી સવારના સમયે જ્યારે પીડિતો સૂતા હતા અથવા આરામ કરી રહ્યા હતા, ત્યારે તેમના પર ઓચિંતો હુમલો કરવામાં આવ્યો હતો. મોટાભાગના પીડિતોના મોઢા અને માથાના ભાગે કોઈ બોથડ પદાર્થ વડે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી, જ્યારે એક યુવક પર છરી વડે હુમલો થયો હતો.

જે સ્થળે આ હત્યાઓ થઈ છે તે રિવર ટ્રેલ સ્થાનિક સહેલાણીઓ અને પદયાત્રીઓ માટે અત્યંત લોકપ્રિય છે, જ્યાં દર વર્ષે હજારો પરિવારો મુલાકાત લેતા હોય છે. જોકે, આ વિસ્તારમાં સર્વેલન્સ કેમેરાની મર્યાદિત સંખ્યા હોવાને કારણે હત્યારાની ઓળખ કરવી પોલીસ માટે મોટો પડકાર બની ગઈ છે. તપાસ અધિકારીઓ હજુ સુધી હત્યામાં વપરાયેલ ચોક્કસ હથિયાર પણ શોધી શક્યા નથી, જેના કારણે રહસ્ય વધુ ઘેરું બન્યું છે.

સતત બની રહેલી આ લોહિયાળ ઘટનાઓને પગલે સ્થાનિક રહીશો અને ખાસ કરીને આશ્રયહીન સમુદાયમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી છે અને શકમંદ હત્યારાને પકડવા માટે અલગ-અલગ ટુકડીઓ તહેનાત કરી છે. તંત્ર દ્વારા નાગરિકોને રાત્રિના સમયે ટ્રેલ વિસ્તારમાં સાવચેત રહેવા તેમજ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ કે વ્યક્તિ જણાય તો તુરંત સુરક્ષા દળોને જાણ કરવા તાકીદ કરવામાં આવી છે.

LATEST ARTICLES