નવી દિલ્હી: ભારતમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઈના ઝડપથી વધી રહેલા વ્યાપ અને તેના સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર હવે તેના ઉપયોગ પર નિયમન લાવવાની સઘન તૈયારી કરી રહી છે. આ સંદર્ભમાં સરકાર આગામી એક મહિનામાં એક વિસ્તૃત વિચાર-વિમર્શ પત્ર બહાર પાડશે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ નવા નિયમનકારી માળખા હેઠળ સુરક્ષિત ઉપયોગ, ડીપફેકના વધતા જોખમો, સાયબર સુરક્ષા, સામાન્ય નાગરિકો પર થતી માનસિક અસરો અને કૌશલ્ય વિકાસ જેવા ગંભીર મુદ્દાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે. વિવિધ હિતધારકો પાસેથી સૂચનો મેળવ્યા બાદ નીતિવિષયક કાયદાઓ ઘડવામાં આવશે.
નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં ડીપફેક એક અત્યંત મોટો પડકાર બની રહ્યો છે. એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવતી સામગ્રી એટલી વાસ્તવિક ભાસે છે કે સામાન્ય નાગરિક માટે અસલી અને બનાવટી વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બની જાય છે, જેના કારણે ખોટી અને ગેરમાર્ગે દોરતી માહિતી ઝડપથી ફેલાય છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે એઆઈ નિયમનમાં ‘માનવ પ્રથમ’નો અભિગમ રહેશે. આ ટેક્નોલોજી ઝડપથી બદલાતી હોવાથી તેને માત્ર પરંપરાગત કાયદાઓથી નિયંત્રિત કરી શકાય નહીં, તેથી કાયદો અને ટેક્નોલોજી બંનેનું સંતુલિત સંયોજન ધરાવતી પદ્ધતિ અપનાવવામાં આવશે, જેમાં ઉદ્યોગ જગતે પણ પોતાની જવાબદારી નિભાવવી પડશે.
આ ઉપરાંત દેશમાં ટેક્નોલોજીકલ પાયાના માળખાને વધુ મજબૂત કરવા માટે સરકાર પોતાના સેમિકન્ડક્ટર કાર્યક્રમ હેઠળ ભારતમાં જ એઆઈ ચિપ્સ અને જીપીયુ વિકસાવવા તરફ આગળ વધી રહી છે. દેશની કમ્પ્યુટિંગ ક્ષમતા વધારવા માટે કુલ ૧૦,૦૦૦ જીપીયુની આવશ્યકતા સામે પ્રથમ તબક્કામાં ૫,૦૦૦ જીપીયુ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. સાથોસાથ ડિજિટલ પ્લેટફોર્મ્સની જવાબદારી વધારીને સિન્થેટિક સામગ્રી પર કડક નજર રાખવામાં આવશે, જેથી સમાજના તમામ વર્ગો સુરક્ષિત રહીને આ નવી ક્રાંતિનો લાભ મેળવી શકે.
