નવી દિલ્હીમાં આયોજિત ભવ્ય 'ચિન્મય અમૃત મહોત્સવ વૈશ્વિક સંમેલન' ના ઉદ્ઘાટન સમારોહમાં એક અત્યંત અનોખો અને ભાવનાત્મક નજારો જોવા મળ્યો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે ઉપસ્થિત રહીને વર્ષ ૧૯૯૩માં સંત સાથે થયેલી મુલાગોતોની યાદોને તાજી કરી હતી. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ટેકનોલોજીના માધ્યમથી તૈયાર કરવામાં આવેલું સ્વામી ચિન્મયાનંદજીનું હોલોગ્રાફિક સ્વરૂપ (અવતાર) હતું, જેની સાથે વડાપ્રધાને પ્રત્યક્ષ સંવાદ સાધ્યો હતો. આ અલૌકિક અનુભવને વર્ણવતા વડાપ્રધાને જણાવ્યું હતું કે દાયકાઓ પછી આધુનિક તકનીકની મદદથી પૂજ્ય ગુરુદેવ સાથેની યાદો ફરીથી જીવંત થઈ છે અને આ ક્ષણ તેમના માટે અત્યંત આધ્યાત્મિક અને આનંદદાયક રહી હતી.
આ ટેકનોલોજી આધારિત અદભુત સંવાદ દરમિયાન વડાપ્રધાને આધ્યાત્મિક ગુરુ પાસે તેમના ભવિષ્યના કાર્યો અને જનસેવા માટે આશીર્વાદ માંગ્યા હતા. વડાપ્રધાને ભાવુક થઈને કહ્યું હતું કે તે તેમનું સૌભાગ્ય હતું કે તેમને સ્વામીજીના દર્શન અને માર્ગદર્શન મળ્યા હતા. તેના પ્રત્યુત્તરમાં, હોલોગ્રાફિક અવતાર દ્વારા સ્વામી ચિન્મયાનંદજીએ નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન તરીકે જોઈને ખુશી વ્યક્ત કરી હતી અને આશીર્વાદ આપતા કહ્યું હતું કે સમગ્ર ભારત દેશ તેમની સાથે છે. આ દ્રશ્યે ત્યાં ઉપસ્થિત તમામ સંતો અને અનુયાયીઓનું મન મોહી લીધું હતું અને આખો માહોલ ભક્તિમય બની ગયો હતો.
પોતાના સંબોધનમાં વડાપ્રધાને ચિન્મય મિશનના કાર્યોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આ સંસ્થા માત્ર એક સામાન્ય સંગઠન નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિ અને વિચારોનું જીવંત પ્રતીક છે. ચિન્મય મિશને દાયકાઓથી સમાજસેવા કરવાની સાથે સાથે ભારતનું સનાતન આધ્યાત્મિક જ્ઞાન સમગ્ર વિશ્વમાં ફેલાવવાનું મહાન કાર્ય કર્યું છે. આજના યુગમાં દેશના યુવાનોમાં ભારતીય સંસ્કૃતિ અને ભગવદ્ ગીતાનો શાશ્વત સંદેશ પહોંચાડવો ખૂબ જ આવશ્યક છે, જેથી આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું જતન થઈ શકે. આ સંમેલન દેશના આધ્યાત્મિક ઉત્થાન માટે એક સીમાચિહ્ન રૂપ સાબિત થશે.
