રાજકોટ શહેરના ગંગોત્રી પાર્ક વિસ્તારમાં રહેતા અને અગાઉ સુરેન્દ્રનગરમાં ઓટોમોબાઈલનો વ્યવસાય કરી નિવૃત્ત થયેલા ૭૨ વર્ષીય વૃદ્ધ અને તેમના પત્ની સાથે વિશ્વાસઘાત આચરી રૂૂપિયા ૧૭.૫૮ લાખથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કોઈ સંતાન ન ધરાવતા વયોવૃદ્ધ દંપતીની એકલતા અને નિવૃત્તિની મૂડીને નિશાન બનાવી ઉત્તર પ્રદેશના એક ગઠિયાએ દુબઈના ગોલ્ડન વિઝા તેમજ આકર્ષક રોકાણ વળતરની લાલચ આપી આ આયોજનબદ્ધ ઠગાઈ આચરી હતી.
સમગ્ર બનાવની વિગત મુજબ, ફરિયાદી ચીમનલાલ નારણભાઈ પટેલે પોતાની નિવૃત્તિની બચતમાંથી વિમલ નગર મેઇન રોડ પર સ્થિત એક સોસાયટીમાં ફ્લેટ ખરીદ્યો હતો. આ ફ્લેટ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના મૂળ વતની અનુજ પ્રકાશ નામના શખ્સે માસિક રૂૂપિયા ૨૧,૦૦૦ના ભાડેથી રાખ્યો હતો. પોતે અમેરિકાની પ્રતિષ્ઠિત બેંકમાં ઓનલાઈન નોકરી કરે છે અને કેનેડાનું નાગરિકત્વ ધરાવે છે તેવી મોટી વાતો કરીને અનુજે મકાનમાલિક દંપતી સાથે ગાઢ સંબંધો કેળવી લીધા હતા. વૃદ્ધ દંપતીનો સંપૂર્ણ વિશ્વાસ જીતવા તે પોતાની પત્ની સાથે તેમને પ્રવાસે પણ લઈ ગયો હતો.
વૃદ્ધ દંપતીનો વિશ્વાસ સંપાદિત કર્યા બાદ આરોપીએ તેમને નિવૃત્તિ પછી નિયમિત પેન્શન જેવી આવક મેળવવા માટે રોકાણ યોજનામાં નાણાં રોકવા અને દુબઈના ગોલ્ડન વિઝા અપાવવાની લાલચ આપી હતી. તેણે વિઝા પ્રોસેસિંગ તેમજ રોકાણના નામે દંપતીના બેંક ખાતાઓમાંથી ઓનલાઈન માધ્યમથી રૂૂપિયા ૬,૫૮,૫૬૪ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ ઉપરાંત દુબઈ વિઝાની ફી પેટે રૂૂપિયા ૬ લાખ રોકડા અને રોકાણ માટે ફરિયાદીના સાળા પાસેથી મેળવેલા રૂૂપિયા ૫ લાખ મળીને કુલ રૂૂપિયા ૧૧ લાખ રોકડા પણ પડાવી લીધા હતા. ભાડે રાખેલો ફ્લેટ પોતે ખરીદી લેવાના બહાને આરોપીએ આપેલો રૂૂપિયા ૫ લાખનો બેંક ચેક પણ બાઉન્સ થયો હતો.
આમ, કુલ રૂૂપિયા ૧૭,૫૮,૫૬૪ મેળવી લીધા બાદ કોઈ વિઝા કે રોકાણ કરાવ્યા વિના આરોપી રાતોરાત ફ્લેટ ખાલી કરીને સામાન સાથે ફરાર થઈ ગયો હતો અને પોતાના સંપર્ક નંબરો પણ બંધ કરી દીધા હતા. છેતરાયાનો અહેસાસ થતાં વૃદ્ધે ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે આરોપી સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય ન્યાય સંહિતાની છેતરપિંડી સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
