પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ફરી એક વખત ભારતીય ક્રિકેટ સાથે બિનજરૂરી સ્પર્ધા કરવાના મૂડમાં જણાઈ રહ્યું છે. મોહસિન નકવીએ જ્યારેથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની કમાન સંભાળી છે, ત્યારથી તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સાથે ટકરાવની નીતિ અપનાવી રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાય છે. ચેમ્પિયન્સ ટ્રોફી, ટી-૨૦ વિશ્વકપ કે એશિયા કપ જેવી મોટી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટો વખતે વિવાદ ઊભા કર્યા બાદ હવે પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ના આયોજન મુદ્દે પણ ભારતની લોકપ્રિય ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સાથે સીધો મુકાબલો કરવાની જાહેરાત કરવામાં આવી છે.
પાકિસ્તાની બોર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે તેમની સ્થાનિક ટી-૨૦ લીગની ૧૨મી સીઝન ૧૮ માર્ચથી ૨ મે, ૨૦૨૭ દરમિયાન યોજાશે. સામાન્ય સંજોગોમાં પાકિસ્તાનની આ લીગ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યોજાતી હોય છે, પરંતુ આ સતત ત્રીજી સીઝન છે જ્યારે તેનું આયોજન માર્ચ અને એપ્રિલની વિન્ડોમાં એટલે કે આઈપીએલના સમયે જ રાખવામાં આવ્યું છે. અગાઉના વર્ષોમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ અને ટી-૨૦ વિશ્વકપ ૨૦૨૬નું બહાનું કાઢવામાં આવ્યું હતું, પરંતુ વર્ષ ૨૦૨૭ માટે આવું કોઈ વૈશ્વિક કારણ ન હોવા છતાં આઈપીએલની સમાંતર તારીખો જાહેર કરાઈ છે.
વિશ્વની સૌથી મોટી, સફળ અને આર્થિક રીતે સમૃદ્ધ લીગ ગણાતી આઈપીએલ દર વર્ષે માર્ચના અંતથી મે મહિના સુધી રમાય છે. દુનિયાભરના મોટાભાગના વિદેશી ખેલાડીઓ આર્થિક વળતર અને પ્રતિષ્ઠાને કારણે હંમેશા આઈપીએલ રમવાને જ પ્રથમ પ્રાથમિકતા આપતા આવ્યા છે. અગાઉ પણ પીએસએલની હરાજીમાં પસંદ થયા હોવા છતાં, તક મળતાં જ વિદેશી ખેલાડીઓએ ભારતીય લીગની ઓફર સ્વીકારીને પાકિસ્તાની લીગ છોડી દીધી હતી. આ વાસ્તવિકતા જાણવા છતાં પાકિસ્તાન બોર્ડ આઈપીએલ સાથે ટકરાઈ રહ્યું છે, જેના કારણે આગામી સમયમાં પીએસએલને મોટા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની ખોટ અને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે તેવી શક્યતા છે.
