JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

પટનામાં મલ્લિકાર્જુન ખડગેનું વિવાદિત નિવેદન, "મોદી કા બાપ ભી જાયેગા" વાળા કિસ્સામાં આવ્યો મોટો ટ્વિસ્ટ

Oct 25, 2026 | 18:50 | By JAMNAGAR MIRROR
પટનામાં મલ્લિકાર્જુન ખડગેનું વિવાદિત નિવેદન, "મોદી કા બાપ ભી જાયેગા" વાળા કિસ્સામાં આવ્યો મોટો ટ્વિસ્ટ

[બિહારના પટનામાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ભીડ વચ્ચે શાબ્દિક ટકરાવ જોવા મળ્યો હતો. સ્ટેજ પરથી ખડગેએ પીએમ મોદી વિરુદ્ધ ગુસ્સામાં એક વિવાદિત ટિપ્પણી કરી હતી, જેના પર ભારે રાજકીય ઘમાસાણ મચી ગયું છે. જો કે, આ પૂરા મામલામાં બાદમાં એક નવો જ ટ્વિસ્ટ સામે આવ્યો છે.]

પટનામાં બિહારના પહેલા મુખ્યમંત્રી ડૉ. શ્રી કૃષ્ણ સિંહની 139મી જન્મજયંતી નિમિત્તે એક મોટો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેશનલ પ્રેસિડેન્ટ મલ્લિકાર્જુન ખડગે સ્ટેજ પરથી સંબોધન કરી રહ્યા હતા. તેમની સ્પીચ દરમિયાન અચાનક હોબાળો શરૂ થઈ ગયો હતો, કારણ કે ભીડમાંથી કોઈ વ્યક્તિએ બૂમ પાડીને કહ્યું કે મોદી કહીં નહીં જાયેગા. આ સાંભળીને ખડગે ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે સ્ટેજ પરથી જ પલટવાર કરતા કહ્યું કે, મોદી કા બાપ ભી જાયેગા. ખડગેએ આ લાઈન સ્ટેજ પરથી 3 વખત પુનરાવર્તિત કરી હતી.

આ નિવેદન સાંભળતા જ હોલની અંદર હાજર કોંગ્રેસ સપોર્ટર્સ અને કાર્યકરો ભડકી ગયા હતા. જે વ્યક્તિએ આ કમેન્ટ કરી હતી તેને કોંગ્રેસના કાર્યકરોએ સ્ટેજ પાસે જ ઘેરી લીધો હતો અને તેની સાથે મારપીટ કરીને તેને સભાસ્થળની બહાર ફેંકી દીધો હતો. આ વ્યક્તિનું નામ સંતોષ કુમાર હોવાનું સામે આવ્યું હતું. ભાજપે આ મામલે તુરંત જ આક્રમક રૂખ અપનાવ્યો હતો અને એવો આરોપ લગાવ્યો હતો કે ખડગેએ માત્ર પીએમ મોદી અને તેમના સ્વર્ગસ્થ પિતાનું જ નહીં, પરંતુ દેશનું પણ અપમાન કર્યું છે. ભાજપના નેતાઓ આ નિવેદનને લઈને વિપક્ષ પર પ્રહારો કરવા લાગ્યા હતા.

જો કે, ભાજપ આ મામલે આક્રમક બને તે પહેલા જ આખા કિસ્સામાં એક સરપ્રાઈઝ ટ્વિસ્ટ સામે આવ્યો. હોલની બહાર નીકળ્યા બાદ સંતોષ કુમારે મીડિયા સાથે વાતચીત કરતા ખુલાસો કર્યો કે તે કોઈ વિરોધી કે હેકલર નહોતો. તેણે દાવો કર્યો કે તેની વાતને ખોટી રીતે સમજી લેવામાં આવી હતી અને તે તો વાસ્તવમાં એમ ઇચ્છે છે કે મોદી સત્તા પરથી જાય. સંતોષ કુમારે સ્પષ્ટતા કરી કે તે બોલી રહ્યો હતો કે જ્યાં સુધી કોઈ મોટો વિદ્રોહ ન થાય ત્યાં સુધી મોદી નહીં જાય, પરંતુ તેનો માત્ર અડધો જ હિસ્સો સાંભળવામાં આવ્યો અને તેના કારણે ગેરસમજ ઊભી થઈ હતી.

વાસ્તવમાં, મલ્લિકાર્જુન ખડગે એ સમયે ચૂંટણીમાં કથિત ગેરરીતિઓના મુદ્દા પર બોલી રહ્યા હતા અને "મોદી જેલ જશે" તેવું કહી રહ્યા હતા, એ જ દરમિયાન સંતોષ કુમારનું અડધું વાક્ય હોલમાં ગુંજ્યું હતું. બસ, આ નાનકડી ગેરસમજના કારણે પટનાના આ કાર્યક્રમમાં મોટો તમાશો સર્જાયો હતો અને મામલો રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની ગયો હતો. એક તરફ ભાજપ આ નિવેદનને લઈને કોંગ્રેસને ઘેરી રહી છે, તો બીજી તરફ જે વ્યક્તિના કારણે આ વિવાદ થયો તેણે જ આખી ઘટના પરથી પડદો ઉઠાવીને નવી ચર્ચા જગાવી છે.

LATEST ARTICLES