[અમેરિકાના વિસ્કોસિનમાં રહેતા આલ્બર્ટ ઝાહને ડેરી ફાર્મિંગમાંથી રિટાયર થયા પછી લાકડામાંથી અનોખા પક્ષીઓ અને મૂર્તિઓ કોતરવાની શરૂઆત કરી હતી. તેમણે પોતાના આખા ઘરને આ કલાત્મક રચનાઓથી સજાવી દીધું હતું, જે આજે મ્યુઝિયમમાં જીવંત છે અને દુનિયાભરના કલાપ્રેમીઓને આકર્ષિત કરી રહી છે.]
જ્યારે ઉંમર વધે ત્યારે મોટાભાગના લોકો આરામ કરવાનું પસંદ કરતા હોય છે, પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જે પોતાની અનોખી ધૂનથી ઇતિહાસ બનાવી દેતા હોય છે. અમેરિકાના વિસ્કોસિન રાજ્યમાં રહેતા આલ્બર્ટ ઝાહ નામના એક સાધારણ ખેડૂતની કહાની પણ કંઈક આવી જ છે. જ્યારે તેઓ 60 વર્ષના થયા અને ડેરી ફાર્મિંગના કામમાંથી રિટાયર થયા, ત્યારે તેમણે પોતાના જીવનને એકદમ નવો જ અંદાજ આપ્યો. લાકડાકામનો શોખ ધરાવતા આલ્બર્ટભાઈએ પોતાના ઘરના આંગણા અને દીવાલોને લાકડામાંથી કોતરેલા અને રંગબેરંગી પક્ષીઓથી ભરી દીધી. જોતજોતામાં તેમનું સામાન્ય ઘર કોઈ અદ્ભુત આર્ટ ગેલરી કે પછી કહીએ તો એક પક્ષીઓના સ્વર્ગ જેવું બની ગયું, જેને જોવા માટે દૂર-દૂરથી લોકો આવવા લાગ્યા.
આલ્બર્ટ ઝાહની આ કલા કોઈ નાનીસૂની નહોતી. તેમણે લાકડાના ટુકડાઓમાંથી અત્યંત ઝીણવટપૂર્વક સેંકડો પક્ષીઓ, પ્રાણીઓ અને માનવ આકૃતિઓ બનાવી હતી. દરેક મૂર્તિમાં તેમની કુશળતા અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ સાફ દેખાઈ આવતો હતો. તેમણે પોતાના આ સુંદર ઘરનું નામ 'બર્ડ્સ પાર્ક' રાખ્યું હતું. વિસ્કોસિનના બેઇલીઝ હાર્બર ખાતે આવેલા તેમના આ ઘરની મુલાકાત લેવી એ તે જમાનાના લોકો માટે એક લ્હાવો સમાન હતું. સામાન્ય ખેડૂતમાંથી કલાકાર બનેલા આલ્બર્ટભાઈએ પોતાની કલ્પનાશક્તિથી સાબિત કરી દીધું કે પેશનને અનુસરવા માટે ક્યારેય કોઈ ઉંમર મોટી નથી હોતી.
સમય વીતતો ગયો તેમ આ અદ્ભુત કલાધરોહરને સાચવવાની જરૂર ઊભી થઈ. આજે ભલે આલ્બર્ટ ઝાહ આ દુનિયામાં નથી અને તેમનું મૂળ ઘર તે સ્વરૂપે નથી રહ્યું, પરંતુ તેમની કલા આજે પણ અમર છે. મિલવૌકી આર્ટ મ્યુઝિયમ અને જોન માઈકલ કોહલર આર્ટ્સ સેન્ટર જેવા પ્રતિષ્ઠિત મ્યુઝિયમ્સમાં તેમની આ કલાકૃતિઓને અત્યંત કાળજીપૂર્વક સાચવવામાં આવી છે. આજના આધુનિક સમયમાં પણ જ્યારે લોકો આ મ્યુઝિયમની મુલાકાતે જાય છે, ત્યારે 60 વર્ષની ઉંમરે શરૂ થયેલી આ અદભુત સર્જનાત્મકતા જોઈને દંગ રહી જાય છે. આલ્બર્ટ ઝાહની આ સફર આપણને સૌને શીખવી જાય છે કે મનમાં જો કુછ કરી છૂટવાની લગની હોય, તો કોઈપણ વ્યક્તિ પોતાની સામાન્ય જિંદગીને પણ એક કલાત્મક માસ્ટરપીસ બનાવી શકે છે.
