JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

નવરાત્રિમાં મફત ગરબા પાસની લાલચથી સાવધાન: અજાણી લિંક પર ક્લિક કરતાં જ બેંક ખાતા ખાલી કરતી ટોળકી સક્રિય

Oct 08, 2026 | 22:20 | By JAMNAGAR MIRROR
નવરાત્રિમાં મફત ગરબા પાસની લાલચથી સાવધાન: અજાણી લિંક પર ક્લિક કરતાં જ બેંક ખાતા ખાલી કરતી ટોળકી સક્રિય

નવરાત્રિ મહોત્સવ નજીક આવતાં જ ખેલૈયાઓમાં મનપસંદ ગરબા આયોજનોના પાસ મેળવવા માટે ભારે દોડધામ જોવા મળી રહી છે. મોટા અને જાણીતા ગરબા મહોત્સવમાં પ્રવેશ મેળવવા યુવાનો સોશિયલ મીડિયા પર સક્રિય બન્યા છે, ત્યારે લોકોના આ ઉત્સાહ અને માનસિકતાનો ગેરલાભ ઉઠાવીને સાયબર ઠગો મેદાને પડ્યા છે. મફત ગરબા પાસ આપવાના બહાને ડિજિટલ માધ્યમો દ્વારા સામાન્ય નાગરિકોના બેંક ખાતામાંથી નાણાં સેરવી લેવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા પોલીસ તંત્ર અને સાયબર નિષ્ણાતો દ્વારા ખેલૈયાઓને સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે.

સાયબર ઠગાઈની આ નવી તરકીબમાં ગઠિયાઓ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને વ્હોટ્સએપ પર અત્યંત આકર્ષક સંદેશાઓ વાયરલ કરે છે. જેમાં જાણીતા ગરબા આયોજકો કે પાર્ટી પ્લોટના નામ અને તસવીરોનો દુરુપયોગ કરી મફતમાં પાસ મેળવવા માટે એક લિંક મોકલવામાં આવે છે. ઉત્સાહમાં આવીને કોઈપણ વ્યક્તિ જેવી આ લિંક ખોલે છે કે તરત જ પાસ ડાઉનલોડ કરવાના નામે એક અજાણી એપીકે ફાઈલ મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવાનું દબાણ કરવામાં આવે છે. મોબાઈલમાં આ ફાઈલ ઇન્સ્ટોલ થતાંની સાથે જ યુઝર્સ પાસેથી અજાણતાં જ સંવેદનશીલ પરવાનગીઓ મેળવી લેવામાં આવે છે. ત્યારબાદ હેકર્સ મોબાઈલમાં આવતા ખાનગી એસએમએસ અને ઓટીપી મેળવીને ગણતરીની મિનિટોમાં બેંક ખાતું ખાલી કરી નાખે છે.

ઘણી વખત આ પ્રકારની જોખમી લિંક કે વાયરસવાળી ફાઈલ ઓળખીતા કે મિત્રોના હેક થયેલા ખાતામાંથી પણ આવી શકે છે, જેથી વધુ સતર્કતા રાખવી અનિવાર્ય છે. આ ઓનલાઈન કૌભાંડથી સુરક્ષિત રહેવા માટે વ્હોટ્સએપ કે અન્ય માધ્યમો પર આવતી કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરવું અને કોઈપણ બિનસત્તાવાર ફાઈલ મોબાઈલમાં ક્યારેય ડાઉનલોડ ન કરવી. જો કોઈ વ્યક્તિ છેતરપિંડીનો ભોગ બને તો તેણે જરાય સમય ગુમાવ્યા વિના તાત્કાલિક રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરવો જોઈએ, જેથી સમયસર નાણાકીય વ્યવહાર અટકાવી શકાય. ઉત્સવની ઉજવણી આનંદપૂર્વક થાય પરંતુ લાલચમાં આવી ડિજિટલ સુરક્ષા જોખમાય નહીં તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

LATEST ARTICLES