JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

હરમનપ્રીત અને દીપ્તિની ધમાકેદાર સેન્ચુરી, ઝિમ્બાબ્વેને હરાવી ભારતીય મહિલા ટીમે વનડે શ્રેણી કબજે કરી

Oct 26, 2026 | 13:45 | By JAMNAGAR MIRROR
હરમનપ્રીત અને દીપ્તિની ધમાકેદાર સેન્ચુરી, ઝિમ્બાબ્વેને હરાવી ભારતીય મહિલા ટીમે વનડે શ્રેણી કબજે કરી
વડોદરાના મેદાન પર રમાયેલી બીજી વનડે મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે સામે ૧૨૧ રનની શાનદાર જીત મેળવી છે. શરૂઆતી ઝટકા બાદ હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્માએ તોફાની સેન્ચુરી ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી હતી, જેના જોરે ટીમ ઈન્ડિયાએ આ શ્રેણી પણ પોતાના નામે કરી લીધી છે.

વડોદરાના મેદાન પર રમાયેલા રોમાંચક મુકાબલામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પોતાના શાનદાર પ્રદર્શનને જાળવી રાખીને ઝિમ્બાબ્વેને ૧૨૧ રનથી કચડી નાખ્યું છે. આ ભવ્ય જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચોની આ વનડે શ્રેણીમાં 2-0 થી અજેય સરસાઈ પ્રાપ્ત કરી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી હતી અને માત્ર 19 રનના સ્કોર પર જ ટીમની ૨ મહત્ત્વની વિકેટો પડી ગઈ હતી. જોકે, ત્યારબાદ પૂર્વ કેપ્ટન હરમનપ્રીત કૌરે બાજી સંભાળી લીધી હતી. તેણે પ્રતિકા રાવલ સાથે મળીને ઇનિંગને આગળ વધારી હતી. પ્રતિકાએ 67 બોલનો સામનો કરીને 61 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી અને આ બંને ખેલાડીઓએ ત્રીજી વિકેટ માટે 124 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી.

પ્રતિકા આઉટ થયા બાદ મેદાન પર હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્માનું વાવાઝોડું જોવા મળ્યું હતું. હરમનપ્રીતે આક્રમક બેટિંગ કરતા 121 બોલમાં 15 ચોગ્ગાની મદદથી શાનદાર 126 રન ફટકાર્યા હતા. બીજી તરફ દીપ્તિ શર્માએ પણ માત્ર 86 બોલમાં 15 ચોગ્ગા ફટકારીને પોતાના 106 રન પૂરા કર્યા હતા. આ બંને દિગ્ગજ બેટ્સમેનોએ પાંચમી વિકેટ માટે 137 બોલમાં 153 રનની વિશાળ ભાગીદારી કરી હતી. આ ધમાકેદાર બેટિંગના દમ પર ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 6 વિકેટના નુકસાને 328 રનનો તોતિંગ સ્કોર ઊભો કર્યો હતો. ઝિમ્બાબ્વે સામે જીતવા માટે 329 રનનો વિશાળ લક્ષ્યાંક હતો.

વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ સામે ભારતીય બોલરોએ શરૂઆતથી જ દબાણ બનાવ્યું હતું. ઓપનર મોડેસ્ટર મુપાચિકવાએ સૌથી વધુ 49 રનની લડાયક ઇનિંગ રમી હતી, પરંતુ તેને સામે છેડેથી કોઈ મજબૂત સાથ મળ્યો ન હતો. ઝિમ્બાબ્વેના 5 બેટ્સમેનો તો બે આંકડાનો સ્કોર પણ પાર કરી શક્યા ન હતા, જેમાંથી 3 ખેલાડીઓ શૂન્ય રને આઉટ થયા હતા. ભારત તરફથી યુવા બોલર વૈષ્ણવી શર્માએ શાનદાર પ્રદર્શન કરતા સૌથી વધુ 4 વિકેટ ઝડપીને ઝિમ્બાબ્વેની કમર તોડી નાખી હતી. સતત પડતી વિકેટોના કારણે ઝિમ્બાબ્વેની આખી ટીમ 48.5 ઓવરમાં માત્ર 207 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે આસાનીથી મેચ જીતી લીધી હતી.

LATEST ARTICLES