જસદણના એક વેપારીને ઈમિટેશન જ્વેલરીના વ્યવસાયમાં માસિક ૧૦ થી ૧૫ ટકા જેટલા ઊંચા નફાની લાલચ આપીને રાજકોટના પિતા અને તેમના બે પુત્રોએ રૂપિયા ૩.૦૫ કરોડની જંગી છેતરપિંડી આચરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ચકચારી પ્રકરણમાં જસદણની વૃંદાવન સોસાયટીમાં રહેતા અને મોબાઈલ સ્પેરપાર્ટ્સનો વ્યવસાય કરતા ભાવિકભાઈ ધીરૂભાઈ હીરપરાએ રાજકોટના સેટેલાઇટ ચોક વિસ્તારમાં રહેતા અશોક મોહન મોલિયા તેમજ તેના બે પુત્રો નિકુંજ મોલિયા અને પ્રતીક મોલિયા વિરુદ્ધ જસદણ પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આશરે પાંચ વર્ષ પૂર્વે એક પારિવારિક પ્રસંગ દરમિયાન ફરિયાદી અને આરોપીઓનો પરિચય થયો હતો. કોરોના કાળ દરમિયાન ફરિયાદી બીમાર પડતાં આરોપીઓએ હોસ્પિટલમાં દવાની વ્યવસ્થા કરાવી તેમનો ગાઢ વિશ્વાસ જીતી લીધો હતો. ત્યારબાદ આરોપીઓએ ઈમિટેશનના ધંધામાં મોટો નફો અપાવવાની ખાતરી આપી તબક્કાવાર રોકાણ કરાવવાનું શરૂ કર્યું હતું. ફરિયાદી પાસેથી રોકડા તેમજ આંગડિયા મારફતે રૂપિયા ૧.૦૭ કરોડ મેળવ્યા બાદ, કાચો માલ સસ્તો ખરીદવાના બહાને વધુ નાણાંની માગણી કરાઈ હતી. જેથી વેપારીએ પોતાના મકાન પર બેંકમાંથી રૂપિયા એક કરોડની હોમ લોન લઈને રકમ આપી હતી. આ ઉપરાંત કુટુંબીજનો પાસેથી નાણાં એકત્રિત કરીને આરોપીઓને કટકે-કટકે કુલ રૂપિયા ૩.૦૫ કરોડ સોંપવામાં આવ્યા હતા.
રોકાણ કર્યા બાદ લાંબો સમય વીતવા છતાં નફો કે મૂડી પરત ન મળતાં વેપારીએ ઉઘરાણી શરૂ કરી હતી. ભેજાબાજ પિતા-પુત્રોએ અવનવા બહાના કાઢી ખોટા વાયદા કર્યા હતા અને બાદમાં મુખ્ય આરોપી નિકુંજ ઘરેથી ભાગી ગયો હોવાનું નાટક પણ રચ્યું હતું. આખરે કોઠારીયા રોડ પર આવેલી એક હોટલમાં યોજાયેલી બેઠકમાં આરોપીએ નાણાં ચૂકવવાને બદલે જો ઉઘરાણી કરશો તો પોતે દવા પીને આપઘાત કરી લેશે તેવી ધમકી આપી હતી. જેથી ભયભીત બનેલા વેપારીએ રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક સમક્ષ રજૂઆત કરી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીના આદેશ બાદ જસદણ પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
