JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

રાત્રે નાહ્યા પછી અચાનક સુસ્તી અને ઊંઘ કેમ ઘેરી વળે છે? જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક સત્ય

Oct 26, 2026 | 16:35 | By JAMNAGAR MIRROR
રાત્રે નાહ્યા પછી અચાનક સુસ્તી અને ઊંઘ કેમ ઘેરી વળે છે? જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક સત્ય
નાહ્યા પછી શરીર એકદમ ફ્રેશ થવાને બદલે અચાનક સુસ્તી કે થાક અનુભવાય છે. ગરમ પાણી, બ્લડ પ્રેશરમાં ઘટાડો કે ડીહાઇડ્રેશન આ પાછળના મુખ્ય કારણો હોઈ શકે છે. જાણો ક્યારે આ સ્થિતિ સામાન્ય છે અને ક્યારે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

શું તમારી સાથે પણ ક્યારેય એવું બન્યું છે કે નાહવા જતાં પહેલાં તમે એકદમ ફ્રેશ હોવ, પરંતુ સ્નાન કર્યાની થોડી જ મિનિટોમાં શરીરમાં અચાનક થાક, સુસ્તી કે તીવ્ર ઊંઘ આવવા લાગે? ખાસ કરીને રાત્રે કે સાંજે ગરમ પાણીથી નાહ્યા પછી ઘણા લોકોને આવો અનુભવ થાય છે. કેટલાક લોકોને તો નાહ્યા પછી તરત જ પલંગ પર સૂઈ જવાનું મન થવા લાગે છે. તબીબોના જણાવ્યા અનુસાર, આની પાછળ આપણું શરીર અને વિજ્ઞાન જોડાયેલા છે.

આ મામલે નિષ્ણાતો કહે છે કે ગરમ પાણીથી સ્નાન કરવાથી શરીરની માંસપેશીઓ એકદમ રિલેક્સ થઈ જાય છે. પાણીના તાપમાનને કારણે ચામડી પાસે રહેલી રક્તવાહિનીઓ પહોળી થઈ જાય છે, જેનાથી બ્લડ પ્રેશર થોડા સમય માટે ઘટી જાય છે. આ કામચલાઉ ઘટાડાને કારણે શરીરમાં નબળાઈ કે ચક્કર જેવું લાગી શકે છે. આ ઉપરાંત પાણીનું તાપમાન, લાંબો સમય સ્નાન કરવું, શરીરમાં પાણીની કમી એટલે કે ડીહાઇડ્રેશન અને પહેલેથી રહેલો થાક પણ આમાં મહત્વની ભૂમિકા ભજવે છે. લો બ્લડ પ્રેશર ધરાવતા દર્દીઓ, વૃદ્ધો અને ભૂખ્યા પેટે નાહવા જતાં લોકોએ આ બાબતે ખાસ સાવચેત રહેવું જોઈએ.

વર્ષ 2023 માં જર્નલ ઓફ ફિઝિયોલોજિકલ એન્થ્રોપોલોજીમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, રાત્રે સૂવાના 1.5 થી 2 કલાક પહેલાં ગરમ પાણીથી સ્નાન કરવું ખરેખર સારી ઊંઘ માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે, કારણ કે તે શરીરના તાપમાનને સંતુલિત કરીને ગાઢ ઊંઘ તરફ લઈ જાય છે. જોકે, જો આ સમસ્યા સામાન્ય આરામ કરતાં વધી જાય અને તેની સાથે છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો, ખૂબ ચક્કર આવવા કે બેભાન થઈ જવા જેવા ગંભીર લક્ષણો દેખાય, તો તેને બિલકુલ નજરઅંદાજ ન કરતા તરત જ હોસ્પિટલ જઈને ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

LATEST ARTICLES