ભરૂચની મશહૂર જામા મસ્જિદને લઈને રાજ્યમાં એક નવો જ વિવાદ વીડિયો સાથે સામે આવ્યો છે. આ મામલો હવે સીધો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે, જ્યાં જૈન સમાજ તરફથી પાંચ અરજદારોએ અરજી કરીને દાવો કર્યો છે કે આ કોઈ મસ્જિદ નહીં પરંતુ પ્રાચીન જૈન મંદિર અને અશ્વબોધ તીર્થ એટલે કે શકુનિકા વિહાર છે. અરજદારોનું કહેવું છે કે ASI દ્વારા આ ભવ્ય જૈન મંદિરને ખોટી રીતે મસ્જિદ તરીકે રજિસ્ટર કરવામાં આવ્યું છે અને ત્યાંના પુરાાતત્વ સ્તંભોને પણ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે.
આ કેસની સુનાવણી દરમિયાન ખુદ રાજ્ય સરકારે પણ એ વાતનો સ્વીકાર કર્યો છે કે આ વિવાદીત સ્ટ્રક્ચર પાસેથી જૈન તીર્થંકરની મૂર્તિ મળી આવી છે અને તેની સુરક્ષા કરવી અત્યંત આવશ્યક છે. અરજદારોએ કોર્ટ સમક્ષ એક વીડિયો લિંક પણ રજૂ કરી છે, જેમાં જૂન 2026માં ભોંયરામાંથી જૈન ધર્મના 19માં તીર્થંકર ભગવાન મલ્લિનાથની મૂર્તિ મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે ઐતિહાસિક ગ્રંથો અને પુરાવાઓનો હવાલો આપીને કોર્ટમાં લાંબી રજૂઆતો કરવામાં આવી છે.
અરજદારોએ હાઈકોર્ટમાં માંગ કરી છે કે આ ઐતિહાસિક સ્થળની જામા મસ્જિદ તરીકેની નોંધણી તુરંત રદ કરવામાં આવે અને તેને સત્તાવાર રીતે અશ્વબોધ તીર્થ તરીકે જાહેર કરવામાં આવે. આ સાથે જ ભગવાન મલ્લિનાથની મળેલી મૂર્તિને કડક સુરક્ષા આપવાની અને જૈન સમાજને ત્યાં પૂજા કરવાનો અધિકાર આપવાની પણ જોરਦાર માંગ ઉઠી છે. આ મામલે વિવાદીત સ્થળે નમાઝ અદા કરવા પર રોક લગાવવાની પણ અપીલ કરાઈ છે, ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર, રાજ્ય સરકાર અને ASI ને નોટિસ પાઠવીને આ મામેલ ખુલાસો માંગ્યો છે અને આગામી દિવસોમાં આ કેસમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
