પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે કાર્યરત જાણીતી શૈક્ષણિક સંસ્થા અમૃત વિદ્યાલયના ટ્રસ્ટી કવિશ ગડિયાને શૈક્ષણિક તેમજ સામાજિક ક્ષેત્રે આપેલા વિશિષ્ટ યોગદાન બદલ પ્રતિષ્ઠિત ‘ગુજરાતનું ગૌરવ’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. બિગ એફએમ દ્વારા આયોજિત એક ભવ્ય અને ગરિમાપૂર્ણ સમારોહમાં રાજ્યભરની પ્રતિભાઓ વચ્ચે તેમને આ વિશેષ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું. કાલોલ જેવા નગરની સંસ્થાના સંચાલકને રાજ્ય સ્તરે આવી મહત્વપૂર્ણ ઓળખ સાંપડતાં સમગ્ર પંચમહાલ પંથકમાં આનંદ અને ગૌરવનો માહોલ સર્જાયો છે.
આ એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વડોદરાના સાંસદ ડૉ. હેમાંગભાઈ જોશીના વરદ હસ્તે કવિશ ગડિયાને આ એવોર્ડ અને પ્રશસ્તિપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતા મહાનુભાવોએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ રાષ્ટ્ર નિર્માણનો પાયો છે અને અર્ધશહેરી વિસ્તારોમાં ગુણવત્તાસભર આધુનિક શિક્ષણ આપવું એ અત્યંત પ્રશંસનીય કાર્ય છે. કવિશ ગડિયા દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી ઘડતર માટે શાળામાં અમલમાં મુકાયેલા વિવિધ શૈક્ષણિક પ્રકલ્પો અને સંસ્કારલક્ષી અભિગમને ઉપસ્થિત સૌ અગ્રણીઓએ મુક્તકંઠે બિરદાવ્યો હતો.
આ ગૌરવશાળી સિદ્ધિ બદલ અમૃત વિદ્યાલય પરિવાર, શાળાના આચાર્ય, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તથા વાલી મંડળમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. સ્થાનિક શિક્ષણ જગત સાથે સંકળાયેલા અગ્રણીઓ, સમાજસેવકો તેમજ કાલોલ તાલુકાના નાગરિકો દ્વારા કવિશ ગડિયા પર અભિનંદન અને શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે. શુભેચ્છકોએ આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં પણ અમૃત વિદ્યાલય શિક્ષણ અને સંસ્કારના નવા આયામો સર કરીને વિસ્તારના વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જશે.
