રાજ્ય સરકાર દ્વારા નાંદોદ ખાતે સ્થાપિત બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના શૈક્ષણિક અને વહીવટી સ્તરને વધુ સુદ્રઢ બનાવવાના આશય સાથે મહત્વપૂર્ણ સમિતિની પુનઃરચના કરવામાં આવી છે. આ અંતર્ગત યુનિવર્સિટીના આંતરિક ગુણવત્તા ખાતરી સેલ એટલે કે આઈક્યુએસીના સભ્ય તરીકે જાણીતા ઉદ્યોગ સંગઠનના અગ્રણી હરીશ જોશીની વિધિવત નિમણૂક કરવામાં આવી છે. યુનિવર્સિટીના માનનીય ઉપકુલપતિ પ્રોફેસર ડૉક્ટર મધુકર પાડવીની અધ્યક્ષતામાં આ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં શિક્ષણ અને સમાજના વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓનો સમાવેશ કરાયો છે.
આ નવનિયુક્ત ઉચ્ચસ્તરીય સમિતિમાં યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટી સભ્યોની સાથે વહીવટી અધિકારી તરીકે નાયબ કુલસચિવ શીતલબેન પરમારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સામાજિક સ્તરેથી સ્થાનિક અગ્રણી ધરમભાઈ વસાવા, વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે ભાવેશ વસાવા તેમજ પૂર્વ વિદ્યાર્થીઓના પ્રતિનિધિ તરીકે વરદાનાબેન વસાવાની પણ સમિતિમાં વરણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હરીશ જોશી અગાઉ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ આંતરિક ગુણવત્તા સમિતિના સભ્ય તરીકે સળંગ ત્રણ વર્ષ સુધી સફળ સેવાઓ આપી ચૂક્યા છે, જેથી તેમના બહોળા અનુભવનો લાભ સંસ્થાને મળશે.
આંતરિક ગુણવત્તા ખાતરી સેલ એ કોઈપણ ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં શિક્ષણની ઉત્કૃષ્ટતા, સંશોધન કાર્ય અને સંસ્થાકીય આંતરમાળખાકીય વિકાસ માટે નીતિ-નિયમો ઘડતી સર્વોચ્ચ સમિતિ ગણાય છે. રાષ્ટ્રીય મૂલ્યાંકન અને પ્રત્યાયન પરિષદ એટલે કે 'નેક' દ્વારા સંસ્થાના મૂલ્યાંકન અને માન્યતા મેળવવાની પ્રક્રિયામાં આ સમિતિની કામગીરી નિર્ણાયક પુરવાર થાય છે. આદિવાસી વિસ્તારમાં કાર્યરત આ યુનિવર્સિટીમાં આ સમિતિની સક્રિયતાથી વિદ્યાર્થીઓને ઉચ્ચ સ્તરનું ગુણવત્તાસભર શિક્ષણ અને રોજગારલક્ષી તકો ઉપલબ્ધ કરાવવામાં મોટી મદદ મળશે.
