JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

ચોટીલા હાઇવે પર અકસ્માત સર્જાતા માતા અને પુત્રીના કરૂણ મોત

ચોટીલા હાઇવે પર અકસ્માત સર્જાતા માતા અને પુત્રીના કરૂણ મોત
રાજકોટ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચોટીલા નજીક પૂરઝડપે આવી રહેલી એક કારે રસ્તો ઓળંગી રહેલા પરિવારને ટક્કર મારતા ૭૦ વર્ષીય વૃદ્ધા અને તેમની પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના રહેવાસી અર્ચનાબેન જોશી (ઉંમર ૪૮ વર્ષ) અને તેમની ૭૦ વર્ષીય માતા નયનાબેન પોતાના પરિવાર સાથે કુવાડવા ખાતે હોમિયોપેથી કોલેજના પદવીદાન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. આ પરિવાર અગાઉ વીરપુર, ગોંડલ અને કાગવડના ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ ચૂક્યો હતો અને કુવાડવા ખાતે મોટા પુત્ર હર્ષિલને છોડ્યા બાદ પોતાની કારમાં ખેડબ્રહ્મા જઈ રહ્યો હતો. શુક્રવારે રાત્રે આશરે સવા નૌ વાગ્યે તેઓ ચોટીલા પાસે નાની મોળડી નજીક આવેલા 'આપા ગીગા નો ઓટલો' સામે હાઇવેની બાજુમાં જમવા માટે રોકાયા હતા.

પરિવારના સભ્યો પરામ અને તેના પિતા અશ્વિનભાઈ ભોજન ઉપલબ્ધ છે કે નહીં તે ચકાસવા માટે સૌથી પહેલા હાઇવે ઓળંગીને સામે પાર ગયા હતા. થોડીવાર પછી પરામે તેની માતા અર્ચનાબેન, નાની નયનાબેન અને મામા વિકાસને રસ્તો ઓળંગીને સામે આવવાનો સંકેત આપ્યો હતો. આ ત્રણેય જણા રાજકોટ-અમદાવાદ કેરેજવે પાર કરી રહ્યા હતા ત્યારે અમદાવાદ તરફથી પૂરઝડપે આવી રહેલી એક કાળા રંગની ઓડી કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતના પ્રચંડ ધડાકાને કારણે ત્રણેય સભ્યો હાઇવે પર ફંગોળાઈ ગયા હતા, જેમાં નયનાબેનનો ડાબો પગ ઘૂંટણથી નીચેથી કપાઈ ગયો હતો.

અકસ્માત બાદ તરત જ પરામે જોયું કે ઓડી કારના ડ્રાઇવરની સીટ પરથી પીળા રંગનો ડ્રેસ પહેરેલી એક મહિલા નીચે ઉતરી હતી, જેની સાથે અન્ય એક સ્ત્રી અને પુરુષ પણ હતા. આસપાસના લોકો તાત્કાલિક એકઠા થઈ ગયા હતા અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પેરામેડિકલ સ્ટાફે સ્થળ પર જ અર્ચનાબેન અને નયનાબેનને મૃત જાહેર કર્યા હતા, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા વિકાસને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતકોના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ માટે ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે પરામની ફરિયાદના આધારે ચોટીલા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને મોટર વાહન અધિનિયમ હેઠળ અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES