JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

ઝારખંડમાં રાંચી-પટના હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માત, ૪ બાળકો સહિત ૧૩ લોકોનાં કરુણ મોત

ઝારખંડમાં રાંચી-પટના હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માત, ૪ બાળકો સહિત ૧૩ લોકોનાં કરુણ મોત
ઝારખંડના રામગઢ જિલ્લામાં એનએચ-૩૩ પર મોડી રાત્રે એસયુવી કાર અને અજાણ્યા વાહન વચ્ચે થયેલી ગંભીર ટક્કરમાં ૧૩ લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. આ તમામ શ્રદ્ધાળુઓ બિહારથી પ્રસિદ્ધ રજરપ્પા મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા.

ઝારખંડના રામગઢ જિલ્લામાંથી પસાર થતા રાંચી-પટના હાઈવે (એનએચ-૩૩) પર શનિવારે મોડી રાત્રે આશરે બે વાગ્યાના સુમારે એક અત્યંત કરુણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. બિહારના નાલંદા જિલ્લાના જાંઘારો ગામના રહેવાસીઓ એક એસયુવી કારમાં સવાર થઈને રામગઢના પ્રખ્યાત રજરપ્પા મંદિરે પૂજા-અર્ચના કરવા માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન પૈંકી વિસ્તાર પાસે તેમની કાર કોઈ અન્ય અજાણ્યા વાહન સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી બધી ભયાનક હતી કે એસયુવી કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.

આ ગોઝારી દુર્ઘટનામાં કારમાં સવાર ૧૩ લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં, જેમાં ૪ બાળકો, ૪ મહિલાઓ અને ૫ પુરુષોનો સમાવેશ થાય છે. આ ભયાનક અકસ્માતમાં માત્ર એક જ વ્યક્તિ જીવિત બચ્યો છે, જેને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે નજીકની સદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ તેની તબિયત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી.

પોલીસ અધિકારીઓ દ્વારા ઘટનાસ્થળેથી મળી આવેલા આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોના આધારે મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રામગઢના એસડીપીઓ આલોક રંજને આ દુર્ઘટના અંગે વિગતો આપતા જણાવ્યું કે તમામ મૃતકો બિહારના નાલંદા જિલ્લાના નિવાસી હતા અને પરિવારજનો ધાર્મિક આસ્થા સાથે મંદિર દર્શને નીકળ્યો હતો ત્યારે આ કાળમુખો અકસ્માત નડ્યો હતો. પોલીસે અજાણ્યા વાહન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES