JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

ભારતીય બજાર પોર્ટફોલિયોનો 'દાળ-ચાવલ', તો વૈશ્વિક રોકાણ 'પિઝા અને નૂડલ્સ' સમાન: રાધિકા ગુપ્તા

ભારતીય બજાર પોર્ટફોલિયોનો 'દાળ-ચાવલ', તો વૈશ્વિક રોકાણ 'પિઝા અને નૂડલ્સ' સમાન: રાધિકા ગુપ્તા
એડેલવેઈસ મ્યુચ્યુઅલ ફંડના સીઈઓ રાધિકા ગુપ્તાએ ગ્રો નેક્સ્ટ સમિટમાં જણાવ્યું કે ભારતીય શેરબજાર રોકાણનું મુખ્ય કેન્દ્ર છે, પરંતુ વૈશ્વિક બજારમાં રોકાણથી સંપત્તિ સર્જનની ઉત્તમ તકો મળે છે. તેમણે રોકાણકારોને તેમના પોર્ટફોલિયોના ૧૦ થી ૧૫ ટકા હિસ્સાને આંતરરાષ્ટ્રીય બજારોમાં ફાળવવાની સલાહ આપી છે.

મુંબઈમાં યોજાયેલી ગ્રો નેક્સ્ટ કોન્ફરન્સમાં એડેલવેઈસ મ્યુચ્યુઅલ ફંડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રાધિકા ગુપ્તાએ રસપ્રદ ઉદાહરણ આપતા કહ્યું કે ભારતીય બજાર આપણા પોર્ટફોલિયો માટે 'દાળ-ચાવલ' છે, જ્યારે વૈશ્વિક રોકાણ તેમાં 'પિઝા અને નૂડલ્સ' જેવો સ્વાદ ઉમેરે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતીય ઇક્વિટી હંમેશાં રોકાણકારના પોર્ટફોલિયોનો મુખ્ય આધાર રહેશે, પરંતુ સ્થાનિક બજાર પૂરતા સીમિત રહેવાથી વૈશ્વિક સ્તરે સંપત્તિ સર્જનની તકો ચૂકી જવાય છે. તેમણે સોનામાં રોકાણ કરતા લોકોને પણ અપ્રત્યક્ષ રીતે વૈશ્વિક રોકાણકાર ગણાવ્યા હતા, કારણ કે સોનાના ભાવ વૈશ્વિક વ્યાજદરો અને ચલણના પ્રવાહ પર નિર્ભર હોય છે.

આ ચર્ચા દરમિયાન ગ્રો મ્યુચ્યુઅલ ફંડના સીઈઓ વરુણ ગુપ્તાએ જણાવ્યું કે વૈશ્વિક ઇક્વિટી બજારમાં ભારતનો હિસ્સો માત્ર ૩ ટકા જ છે, તેથી રોકાણકારોએ માત્ર ૩ ટકા બજાર પૂરતા સીમિત ન રહેવું જોઈએ. તેમણે ઉમેર્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઓવરસીઝ ફંડ-ઓફ-ફંડ્સનું કદ વર્ષ ૨૦૨૦ના ૬,૮૦૦ કરોડ રૂપિયાથી વધીને આશરે ૪૫,૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ), સેમિકન્ડક્ટર ડિઝાઇન અને બાયોટેકનોલોજી જેવા ક્ષેત્રોની વિગતો આપતા તેમણે આંતરરાષ્ટ્રીય બજારોની તકોને 'છપ્પન ભોગ' સમાન ગણાવી હતી. આ ઉપરાંત, વિદેશી ચલણના અવમૂલ્યનની અસર વિશે વાત કરતા રાધિકા ગુપ્તાએ જણાવ્યું કે વિદેશી અભ્યાસ જેવા લાંબા ગાળાના આર્થિક લક્ષ્યો માટે પણ આંતરરાષ્ટ્રીય એક્સપોઝર ધ્યાનમાં લેવું જરૂરી છે.

જિઓબ્લેકરોક મ્યુચ્યુઅલ ફંડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર ઋષિ કોહલીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય રોકાણ હંમેશાં રોકાણકારની એસેટ એલોકેશન ક્ષમતા, રિસ્ક એપેટાઇટ અને નાણાકીય લક્ષ્યોને આધારે જ હોવું જોઈએ. જીફટી સિટીના માધ્યમથી વૈશ્વિક બજાર સુધી પહોંચ સરળ બની રહી છે, જો કે કેવાયસી અને ફંડ ટ્રાન્સફર સંબંધિત કેટલીક વ્યવહારિક મુશ્કેલીઓ હજુ પણ યથાવત છે. તજજ્ઞોએ ભારપૂર્વક જણાવ્યું કે વૈશ્વિક રોકાણ માત્ર મોટી અમેરિકી ટેકનોલોજી કંપનીઓ પૂરતું મર્યાદિત નથી, પરંતુ બ્રોડકોમ અને ક્રાઉડસ્ટ્રાઈક જેવી એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી અનેક વૈવિધ્યસભર કંપનીઓમાં પણ રોકાણની વિપુલ તકો ઉપલબ્ધ છે.

બિઝનેસ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES