JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

રાજકોટના જંકશન વિસ્તારના વેપારીને ડ્રગ્સ સપ્લાય કરનાર અમદાવાદનો પેડલર ઝડપાયો

રાજકોટના જંકશન વિસ્તારના વેપારીને ડ્રગ્સ સપ્લાય કરનાર અમદાવાદનો પેડલર ઝડપાયો
રાજકોટના જંકશન વિસ્તારમાં ફ્રૂટના વેપારીને લાખો રૂપિયાનું હાઈબ્રિડ ગાંજો, ચરસ અને એમડી ડ્રગ્સ સપ્લાય કરવાના મુખ્ય આરોપીને અમદાવાદથી પેરોલ ફર્લો સ્કવોર્ડે ઝડપી પાડ્યો છે. એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા આ પેડલરને પકડવા માટે પોલીસે ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદ લીધી હતી.

રાજકોટ શહેરના જંકશન વિસ્તારમાં આવેલી દુકાનના ફ્રૂટના વેપારી રમેશ ઉર્ફે મુનાને એસઓજીની ટીમે અગાઉ લાખો રૂપિયાની કિંમતના હાઈબ્રિડ ગાંજો, ચરસ અને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલીસે જ્યારે વેપારીની સઘન પૂછપરછ કરી ત્યારે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો હતો. વેપારીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેને આ તમામ પ્રતિબંધિત નશીલો પદાર્થ અમદાવાદના એક શખ્સે સપ્લાય કર્યો હતો. આ ખુલાસા બાદ મુખ્ય સપ્લાયર પોલીસ પકડથી બચવા માટે સતત પોતાના ઠેકાણા બદલીને નાસતો ફરતો હતો.

રાજ્યમાં પેરોલ જમ્પ કરીને નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢીને કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ જ અભિયાન અંતર્ગત પેરોલ ફર્લો સ્કવોર્ડના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન. પઢિયારની રાહબરી હેઠળ પીએસઆઈ એસ.બી. ઘાસુરા અને તેમની ટીમ સક્રિયપણે તપાસ કરી રહી હતી. આ દરમિયાન પોલીસ ટીમે ચોક્કસ હ્યુમન સોર્સ અને ટેક્નિકલ એનાલિસિસની મદદથી બાતમી મેળવી હતી કે આ ગુનાનો મુખ્ય ફરાર આરોપી અમદાવાદમાં છુપાયેલો છે.

પોલીસે બાતમીના આધારે અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલી અંબિકા પાર્ક કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીના બ્લોક નં-એ-૨૬ માં રહેતા પ્રવીણ ઉર્ફે પવો વસંત પરબ (ઉ.વ. ૪૮) ને ઝડપી પાડ્યો હતો. આરોપી પ્રવીણ વિરુદ્ધ અગાઉથી પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો હતો અને તે લાંબા સમયથી વોન્ટેડ હતો. પેરોલ ફર્લો સ્કવોર્ડે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી છે અને તેને આગળની વધુ તપાસ અર્થે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનને સોંપવાની સત્તાવાર તજવીજ હાથ ધરી છે.

બિઝનેસ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES