JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
વાયરલ

મૂળ અમદાવાદના વૈજ્ઞાનિક ડો. પાયલ દામાણીનું સંશોધન 'નેચર' જર્નલમાં પ્રકાશિત, ફેફસાંને બચાવવાની મહત્ત્વપૂર્ણ શોધ

મૂળ અમદાવાદના વૈજ્ઞાનિક ડો. પાયલ દામાણીનું સંશોધન 'નેચર' જર્નલમાં પ્રકાશિત, ફેફસાંને બચાવવાની મહત્ત્વપૂર્ણ શોધ
મૂળ અમદાવાદના ડો. પાયલ દામાણી-યોકોટા અને તેમની ટીમનું ગંભીર વાયરલ ચેપમાં ફેફસાંને બચાવતું મહત્વપૂર્ણ સંશોધન વિશ્વપ્રસિદ્ધ 'નેચર' જર્નલમાં પ્રકાશિત થયું છે. આ શોધ ભવિષ્યમાં ન્યુમોનિયા અને કોવિડ-19 જેવા રોગોની સારવાર માટે નવી દિશા પૂરી પાડશે.

કોવિડ-19 અને ઇન્ફ્લુએન્ઝા જેવા ગંભીર શ્વસન સંબંધી વાયરલ ચેપમાં દર્દીઓની સ્થિતિ ઘણીવાર અત્યંત નાજુક બની જતી હોય છે. તબીબી વિજ્ઞાન અનુસાર, આવા દર્દીઓના મૃત્યુ પાછળનું મુખ્ય કારણ માત્ર વાયરસની હાજરી જ નથી હોતી, પરંતુ વાયરસ સામે લડતી વખતે શરીરમાં ઉત્પન્ન થતો અતિશય સોજો અને તેનાથી ફેફસાંના નાજુક કોષોને થતું કાયમી નુકસાન હોય છે. આ જટિલ વિજ્ઞાનને ઉકેલવા માટે મૂળ અમદાવાદના જાણીતા વૈજ્ઞાનિક ડો. પાયલ દામાણી-યોકોટા અને તેમની સંશોધક ટીમ દ્વારા 'Type 2 immune history trains lung macrophages for viral disease tolerance' શીર્ષક હેઠળ એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેને વિશ્વની પ્રતિષ્ઠિત સાયન્સ જર્નલ 'નેચર' દ્વારા સ્થાન આપવામાં આવ્યું છે.

આ સંશોધનની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં ફેફસાંની આંતરિક રોગપ્રતિકારક શક્તિ ગંભીર વાયરસ સામે શરીરનું કેવી રીતે રક્ષણ કરે છે તેની વૈજ્ઞાનિક સમજ આપવામાં આવી છે. ફેફસાંની શ્વાસનળીઓ અને ચેતાતંતુઓની આસપાસ 'NAMs' (Nerve- and Airway-associated Macrophages) તરીકે ઓળખાતા વિશેષ સ્થાનિક રોગપ્રતિકારક કોષો કુદરતી રીતે હાજર હોય છે. જ્યારે ફેફસાં પર કોઈ આક્રમક વાયરલ હુમલો થાય છે, ત્યારે આ 'NAMs' કોષો શરીરની રોગપ્રતિકારક પ્રક્રિયાને બેકાબૂ બનતી અટકાવવામાં શાંતિદૂતની ભૂમિકા ભજવે છે. આ કોષો ફેફસાંમાં જીવલેણ સોજો ફેલાતો રોકીને પેશીઓનું સંરક્ષણ કરે છે.

ડો. પાયલ દામાણી-યોકોટાના આ અભ્યાસનું મુખ્ય તારણ 'રોગ સહનશીલતા' (Disease Tolerance) પર કેન્દ્રિત છે, જે તબીબી ક્ષેત્રે એક ક્રાંતિકારી પગલું સાબિત થઈ શકે છે. આ વૈજ્ઞાનિક શોધના આધારે ભવિષ્યમાં ન્યુમોનિયા, ફ્લૂ, કોવિડ-19 તેમજ ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD) અને ફાઈબ્રોસિસ જેવા ફેફસાંના ગંભીર સોજાના રોગો માટે અત્યાધુનિક દવાઓ તથા થેરાપી વિકસાવી શકાશે. આ નવી સારવાર પદ્ધતિઓ માત્ર વાયરસનો નાશ કરવામાં મદદરૂપ થશે નહીં, પરંતુ સાથે સાથે વાયરલ સંક્રમણ દરમિયાન ફેફસાંને થતા જીવલેણ નુકસાનથી પણ સુરક્ષિત રાખશે.

વાયરલ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES