જામનગરથી જાંબુડા તરફ જતી એસટી બસમાં બનેલી એક ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે. જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા જાંબુડા પાટીયા નજીક બસમાં મુસાફરી કરી રહેલા એક વિદ્યાર્થીનો સામાન બસમાં જ રહી ગયો હતો. વિદ્યાર્થી જ્યારે બસમાંથી નીચે ઉતર્યો ત્યારે તેને પોતાનો સામાન ભૂલાઈ ગયાનું ધ્યાને આવતા તેણે તુરંત જ બસ થોભાવવા માટે અપીલ કરી હતી. બસ થોભ્યા બાદ વિદ્યાર્થી અને ફરજ પરના કંડકટર વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી, જેનો વીડિયો વાયરલ થયો છે.
જાહેર પરિવહન સેવાઓમાં મુસાફરી કરતા નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથે સન્માનજનક તથા સહાનુભૂતિપૂર્વકનો વ્યવહાર કરવાની જવાબદારી સંબંધિત કર્મચારીઓની હોય છે. આ કિસ્સામાં કંડકટર દ્વારા દાખવવામાં આવેલા ઉદ્ધત વર્તને એસટી નિગમની પ્રતિષ્ઠા અને સેવાની ગુણવત્તા પર પ્રશ્નાર્થ ચિન્હ મૂક્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દ્રશ્યોએ મુસાફરોની સુરક્ષા અને બસ સ્ટાફના વર્તનને લઈને અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે, જેને લઈને મુસાફરોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
આ ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક સ્તરેથી એસટી તંત્ર સમક્ષ કડક પગલાં લેવાની માંગ પ્રબળ બની છે. જવાબદાર અધિકારીઓ દ્વારા આ વાયરલ વીડિયોની ગંભીરતાથી નોટિસ લઈને સમગ્ર ઘટનાની આંતરિક તપાસ કરવામાં આવે તથા કસૂરવાર કર્મચારી સામે યોગ્ય ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. મુસાફરોની સુવિધા માટે કાર્યરત જાહેર પરિવહન તંત્રમાં ભવિષ્યમાં આવા અપ્રિય બનાવો ન બને અને કર્મચારીઓ દ્વારા શિસ્તભંગ ન થાય તે માટે ઉચ્ચ સ્તરેથી યોગ્ય માર્ગદર્શિકા જારી કરવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
