JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

જ્યોોર્જિયો અરમાનીના વારસાનું પુનર્ગઠન: ફ્રેન્ચ જાયન્ટ એલ'ઓરિયલ ખરીદશે મોટો હિસ્સો

જ્યોોર્જિયો અરમાનીના વારસાનું પુનર્ગઠન: ફ્રેન્ચ જાયન્ટ એલ'ઓરિયલ ખરીદશે મોટો હિસ્સો
સ્વર્ગસ્થ ફેશન ડિઝાઈનર જ્યોોર્જિયો અરમાનીની વસિયત મુજબ તેમની કંપનીના ૧૫ ટકા હિસ્સાનું વેચાણ થવા જઈ રહ્યું છે. જેમાં ફ્રાન્સની દિગ્ગજ બ્યુટી કંપની એલ'ઓરિયલ સૌથી મોટો હિસ્સો ખરીદશે જ્યારે પરિવારના સભ્યો પણ નાનો હિસ્સો હસ્તગત કરશે.

ઇટાલિયન ફેશન જગતના દિગ્ગજ અને સ્વર્ગસ્થ ડિઝાઈનર જ્યોોર્જિયો અરમાનીના અવસાન બાદ તેમની કંપનીના ભવિષ્યને લઈને મોટા નિર્ણયો લેવાઈ રહ્યા છે. અરમાનીની વસિયતમાં દર્શાવેલી જોગવાઈ મુજબ કંપનીનો આશરે ૧૫ ટકા હિસ્સો વેચાણ અર્થે મૂકવામાં આવ્યો છે, જેને ખરીદવા માટે અત્યારે હાઇ-પ્રોફાઇલ વાટાઘાટો ચાલી રહી છે. આ પ્રક્રિયામાં ફ્રાન્સની પ્રખ્યાત બ્યુટી અને કોસ્મેટિક્સ ગ્રૂપ 'એલ'ઓરિયલ' (L'Oreal) સિંહફાળો મેળવવા માટે તૈયાર છે અને તે આ હિસ્સામાંથી આશરે ૧૦ ટકા હિસ્સો હસ્તગત કરવા માટે વાતચીત કરી રહી છે. ઉલ્લેખનીય છે કે એલ'ઓરિયલ પાસે વર્ષ ૨૦૫૦ સુધી અરમાનીના સુગંધિત દ્રવ્યો, સ્કિનકેર અને મેકઅપ ઉત્પાદનોના લાયસન્સ પહેલેથી જ મોજૂદ છે, જેના કારણે બંને જૂથો વચ્ચેનો વેપારી સંબંધ આ સોદાથી વધુ મજબૂત બનશે.

આ વેચાણ પ્રક્રિયામાં માત્ર એલ'ઓરિયલ જ નહીં પરંતુ અરમાનીના અન્ય વ્યાપારી સહયોગીઓ અને પરિવારજનો પણ જોડાઈ રહ્યા છે. અરમાનીના અગાઉના વફાદાર વેપારી ભાગીદાર એસિલરલુક્સોટિકા (EssilorLuxottica), જે અગાઉથી જ તેમની આઇવેર બનાવવામાં સહયોગ કરે છે, તે કંપનીનો ૨ થી ૩ ટકા હિસ્સો ખરીદી શકે છે. આશ્ચર્યજનક રીતે, ખુદ અરમાનીના વારસદારો પણ આ રેસમાં સામેલ છે અને તેઓ બાકીનો ૨ થી ૩ ટકા હિસ્સો ખરીદવાનું વિચારી રહ્યા છે. આ વારસદારોમાં મુખ્યત્વે મહિલા વસ્ત્રોની ડિઝાઇન સંભાળતી ભત્રીજી સિલવાના અરમાની, બોર્ડના સભ્ય અને ભત્રીજા એન્ડ્રિયા કેમેરાના તેમજ પુરુષોના વસ્ત્રોનું નેતૃત્વ કરતા લિયો ડેલ'ઓરકોનો સમાવેશ થાય છે. આ વિભાજન પાછળનો મુખ્ય હેતુ કંપની પર પરિવારનું નિયંત્રણ જાળવી રાખવાનો અને ભવિષ્યમાં શેરબજારમાં લિસ્ટિંગ કરવાના વિકલ્પો ખુલ્લા રાખવાનો છે.

ગત વર્ષે સપ્ટેમ્બરમાં ૯૧ વર્ષની વયે દિવંગત થયેલા જ્યોોર્જિયો અરમાનીએ પોતાની વસિયતમાં સ્પષ્ટપણે નિર્દેશ કર્યો હતો કે તેમના મૃત્યુના ૧૨ થી ૧૮ મહિનાની અંદર કંપનીનો ૧૫ ટકા હિસ્સો વેચવો, અને ત્યારબાદ વધુ ૩૦ થી ૫૪.૯ ટકા હિસ્સો વેચવો અથવા શેરબજારમાં નોંધણી કરાવવી. હાલમાં આ સોદા અંગે વાટાઘાટો અંતિમ તબક્કામાં છે અને કોઈ અંતિમ સમજૂતી પર હસ્તાક્ષર થયા નથી. અરમાની ફાઉન્ડેશન પાસે હાલમાં કંપનીની મુખ્ય માલિકી છે જ્યારે તેના ડિવિડન્ડ અને અન્ય અધિકારો વારસદારોમાં વહેંચાયેલા છે. આ ઐતિહાસિક સોદો વૈશ્વિક લક્ઝરી ફેશન માર્કેટમાં નવા સમીકરણો સર્જશે અને અરમાની સામ્રાજ્યને એક નવી દિશા આપશે તે નિશ્ચિત છે.

બિઝનેસ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES