ટેકનોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની મેટા દ્વારા શુક્રવારે મુંબઈમાં આયોજિત 'હાઉસ ઓફ ઇન્સ્ટાગ્રામ' ક્રિએટર ઇવેન્ટમાં એક રોમાંચક જાહેરાત કરવામાં આવી છે. કંપની ટૂંક સમયમાં જ ભારતમાં ‘ઇન્સ્ટાગ્રામ ફોર ટીવી’ એપ લોન્ચ કરવા જઈ રહી છે, જેના કારણે હવે યૂઝર્સ માત્ર મોબાઈલ પૂરતા સીમિત રહેવાને બદલે પોતાના ટેલિવિઝન પર જ મનપસંદ ક્રિએટર્સનું શોર્ટ-ફોર્મ વિડિયો કન્ટેન્ટ માણી શકશે. મેટાના જણાવ્યા અનુસાર, યુઝર્સ તરફથી સતત ફીડબેક મળી રહ્યા હતા કે મિત્રો અને પરિવાર સાથે મળીને વિડિયો જોવાનો આનંદ મોબાઈલ કરતા મોટી સ્ક્રીન પર અનેરો હોય છે, જેને ધ્યાનમાં રાખીને આ ખાસ પગલું ભરવામાં આવ્યું છે.
આ નવી ટેકનોલોજીની વિશેષતાઓની વાત કરીએ તો, ભારતમાં આ એપ એપલ ટીવી, એમેઝોન ફાયર ટીવી અને ગૂગલ ટીવી જેવા સપોર્ટેડ ડિવાઈસ પર ઉપલબ્ધ થશે. યૂઝર્સે ફક્ત પોતાના ટીવીમાં આ એપ ડાઉનલોડ કરીને હાલના એકાઉન્ટથી લોગઈન કરવાનું રહેશે અથવા મોબાઈલ એપના સેટિંગ્સ બુકમાર્ક દ્વારા પણ ટીવી અનુભવ સીધો ખોલી શકાશે. પરિવારના દરેક સભ્ય પોતપોતાની પર્સનલ પ્લેલિસ્ટ માણી શકે તે માટે એક ટીવી એપમાં પાંચ જેટલા એકાઉન્ટ એડ કરવાની સગવડ પણ આપવામાં આવી છે, જેથી ઘરમાં બેઠા-બેઠા જ રીલ્સની આપ-લે અને મનોરંજનનો વ્યાપ વધશે.
ટીવી માટે ખાસ ડિઝાઇન કરાયેલી આ એપ્લિકેશનમાં મુખ્યત્વે રીલ્સ અને સ્ટોરીઝ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં વાઈડસ્ક્રીન ફોર્મેટમાં ચાલતી હોરિઝોન્ટલ રીલ્સનો પણ સમાવેશ થાય છે. મોબાઈલની જેમ મેન્યુઅલ સ્ક્રોલિંગ કરવાને બદલે ટીવી પર રીલ્સ ઓટોમેટિક પ્લે થશે અને રિમોટની મદદથી પ્લેબેક કંટ્રોલ કરી શકાશે. આગામી થોડા દિવસોમાં જ આ એપ ભારતીય માર્કેટમાં રોલઆઉટ થવાની છે, જે સોશિયલ મીડિયાના ઉપયોગ કરવાની પદ્ધતિમાં ક્રાંતિ લાવશે અને કન્ટેન્ટ કન્ઝમ્પ્શનને એક નવા જ સ્તરે લઈ જશે.
