JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

દિલ્હીમાં શિયાળો કેમ મોડો પડી રહ્યો છે? જાણો ક્યારે શરૂ થશે કડકડતી ઠંડી

દિલ્હીમાં શિયાળો કેમ મોડો પડી રહ્યો છે? જાણો ક્યારે શરૂ થશે કડકડતી ઠંડી
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં નવેમ્બર મહિનો પૂરો થવા છતાં હજુ સુધી કડકડતી ઠંડીનો અનુભવ થયો નથી. હવામાન નિષ્ણાતોના મતે પશ્ચિમી વિક્ષેપની ગેરહાજરી, અલ-રિનો (El Nino) ની અસર અને શહેરી ગરમીને કારણે ઠંડી મોડી પડી છે અને ડિસેમ્બરના મધ્ય સુધીમાં શીતલહેર શરૂ થવાની સંભાવના છે.

દિલ્હીમાં હાલમાં સવારના સમયે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને લઘુત્તમ તાપમાન ઘટીને ૯ ડિગ્રી સેલ્સિયસ આસપાસ પહોંચી ગયું છે, છતાં નાગરિકો લાંબા સમય સુધી ટકી રહે તેવી કડકડતી ઠંડીની રાહ જોઈ રહ્યા છે. સામાન્ય રીતે દિલ્હીમાં શિયાળો તબક્કાવાર આગળ વધતો હોય છે, જેમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં સક્રિય થતા પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) મુખ્ય ભૂમિકા ભજવતા હોય છે. આ વિક્ષેપને કારણે પર્વતો પર બરફ વર્ષા થાય છે અને ઉત્તર-પશ્ચિમી ઠંડા પવનો મેદાની વિસ્તારોમાં તાપમાન ગગડાવે છે. પરંતુ, ચાલુ વર્ષે નવેમ્બર મહિનામાં કોઈ સક્રિય પશ્ચિમી વિક્ષેપ ન આવવાને કારણે અને આકાશ સ્વચ્છ રહેવાથી દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ રહેતા તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહ્યું છે.

આ મોડી ઠંડી પાછળ વૈશ્વિક સ્તરે સક્રિય થયેલા 'અલ-રિનો' (El Nino) ની અસર પણ જવાબદાર માનવામાં આવી રહી છે. પેસિફિક મહાસાગરમાં તાપમાન વધવાને કારણે વૈશ્વિક સ્તરે તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના લીધે શિયાળાના દિવસો ઓછા અને હૂંફાળા બને છે. જોકે, વૈજ્ઞાનિકો માત્ર અલ-રિનોને જ દોષી નથી માનતા, પરંતુ દિલ્હીની અંદર પ્રદૂષણ, ધુમ્મસ, ભેજવાળી હવા અને શહેરી ગરમી (Urban Heat) પણ રાત્રિના તાપમાનને નીચું જતાં અટકાવવામાં ધાબળા સમાન કામ કરે છે. લાંબા ગાળાના આબોહવાકીય ફેરફારોને કારણે પણ તાપમાનનો પારો અપેક્ષા કરતા ઊંચો જળવાઈ રહ્યો છે.

હવામાન મોડેલોના અહેવાલ મુજબ, દિલ્હીના લોકોને કડકડતી ઠંડી માટે હજુ મધ્ય ડિસેમ્બર સુધી રાહ જોવી પડશે. બે ડિસેમ્બર સુધી કોઈ સક્રિય પશ્ચિમી વિક્ષેપની શક્યતા નથી અને ત્યારબાદ પણ નબળી સિસ્ટમ જ સક્રિય રહેવાની સંભાવના છે. જ્યાં સુધી કોઈ મજબૂત પશ્ચિમી વિક્ષેપ બાદ ઉત્તર-પશ્ચિમી ઠંડા પવનો નહીં ફૂંકાય ત્યાં સુધી તીવ્ર ઠંડી મુશ્કેલ છે. જોકે, જાન્યુઆરી મહિનો હંમેશાં સૌથી ઠંડો રહેતો હોય છે, તેથી આ વર્ષે પણ ભલે અલ-રિનોને કારણે શીતલહેરના દિવસો ઓછા રહે, પરંતુ ઠંડીના લાંબા રાઉન્ડ જોવા મળી શકે છે.

દેશ-વિદેશ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES