JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

માતા-પિતાનું સોનું વેચી મકાન ખરીદવું પડ્યું મોંઘું, આવકવેરા વિભાગે ફટકારી 60 લાખની નોટિસ

માતા-પિતાનું સોનું વેચી મકાન ખરીદવું પડ્યું મોંઘું, આવકવેરા વિભાગે ફટકારી 60 લાખની નોટિસ
વારસામાં મળેલું સોનું વેચીને ઘર ખરીદવું એક સામાન્ય બાબત લાગે છે, પરંતુ મુંબઈના એક કરદાતાએ વંશપરંપરાગત સોનું વેચીને પ્રોપર્ટી ખરીદતાં આવકવેરા વિભાગે 34 લાખની છૂટ નામંજૂર કરી કુલ 60 લાખ રૂપિયાની નોટિસ ફટકારી છે.

ઘર ખરીદવા માટે માતા-પિતા કે દાદા-દાદી પાસેથી મળેલા સોનાના દાગીના વેચવાનો નિર્ણય ઘણીવાર લોકોને સરળ લાગતો હોય છે, પરંતુ આવકવેરાના નિયમો આ બાબતમાં ખૂબ જ કડક સાબિત થઈ શકે છે. મુંબઈના ઇન્કમ ટેક્સ એપેલાઈટ ટ્રિબ્યુનલ (ITAT) સમક્ષ આવેલો આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કરદાતાએ પોતાના માતા અને દાદી પાસેથી મળેફું આશરે 1200 ગ્રામથી વધુ સોનું વેચીને તેના નાણાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં રોક્યા હતા. આ રોકાણના આધારે તેણે આવકવેરા અધિનિયમની કલમ 54F હેઠળ 34.39 લાખ રૂપિયાની ટેક્સ છૂટનો દાવો કર્યો હતો, પરંતુ આવકવેરા વિભાગે પૂરતા પુરાવાઓ અને દસ્તાવેજોના અભાવે આ દાવો ફગાવી દીધો હતો. આ સાથે જ બેંક ખાતાઓમાં કરવામાં આવેલી 25.69 લાખ રૂપિયાની રોકડ જમા રકમને પણ અણસ્પષ્ટ આવક ગણવામાં આવતા, કરદાતાની કુલ કરપાત્ર આવકમાં 60.08 લાખ રૂપિયાનો અધધધ વધારો થઈ ગયો હતો.

આ કેસની વધુ તપાસ કરતાં બહાર આવ્યું કે આવકવેરા વિભાગે માત્ર ટેક્સ છૂટનો દાવો જ નહોતો નકાર્યો, પરંતુ કરદાતા અને તેની પત્નીના બેંક ખાતામાં થયેલી રોકડ જમા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. કરદાતાએ દલીલ કરી હતી કે આ રોકડ રકમ તેની કમાણી, બચત અને પત્નીની સ્વતંત્ર આવકમાંથી આવી છે, પરંતુ સત્તાવાળાઓએ આ સ્પષ્ટતા સ્વીકારી ન હતી. જોકે, ITAT એ આ મામલે રાહત આપતા સમગ્ર કેસને ફરીથી તપાસવા માટે એસેસિંગ ઓફિસર પાસે પાછો મોકલ્યો છે. ટ્રિબ્યુનલે સ્પષ્ટ કર્યું છે કે આ રાહત માત્ર પ્રક્રિયાગત છે અને તેનો અર્થ એ નથી કે કરદાતાનો 34 લાખની છૂટનો દાવો સ્વીકારી લેવામાં આવ્યો છે, પરંતુ તેને પોતાનો પક્ષ સાબિત કરવાની વધુ એક તક મળી છે.

આ સમગ્ર પ્રકરણમાંથી નાણાકીય નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું છે કે પારિવારિક સોનું વેચીને પ્રોપર્ટીમાં રોકાણ કરતી વખતે કરદાતાઓએ ખૂબ જ સાવચેત રહેવું પડે છે. કલમ 54F હેઠળ ટેક્સ છૂટ મેળવવા માટે માત્ર નફો નહીં પરંતુ નેટ વેચાણની કિંમતનું કેટલું રોકાણ થયું છે તે મહત્વનું છે. સોનું મેળવવું અને વેચવું એ બંને અલગ કરવેરાની ઘટનાઓ છે, જ્યાં અગાઉના માલિકના હસ્તગતનો ઇતિહાસ પણ ધ્યાનમાં લેવાય છે. તેથી ભવિષ્યમાં આવી મુશ્કેલીઓથી બચવા માટે પરિવારોએ ગિફ્ટ ડીડે, વસિયતનામું, જ્વેલરી વેલ્યુએશન રિપોર્ટ, સેલ ઇન્વોઈસ અને બેંક સ્ટેટમેન્ટ જેવા તમામ દસ્તાવેજો અત્યંત કાળજીપૂર્વક સાચવવા જોઈએ જેથી આવકવેરા તપાસ દરમિયાન કોઈ સમસ્યા ન સર્જાય.

બિઝનેસ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES