જૂનાગઢની સરકારી મેડિકલ કોલેજમાં એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટમાં રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતા ડૉ. સોનાલીબેન ઓડેદરાના દુઃખદ અવસાનથી સમગ્ર તબીબી જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ડૉ. સોનાલીબેન તેમના પતિ (જેઓ ઓર્થોપેડિક સર્જન છે) અને તેમની ત્રણ વર્ષની માસૂમ દીકરી સાથે જૂનાગઢમાં જ રહેતા હતા. ગત શનિવારે તેમને ડેન્ગ્યુના લક્ષણો જણાતા અને તબિયત બગડતા તેમણે વિભાગના વડા પાસે રજાની માંગણી કરી હતી. જોકે, ગંભીર બીમારી હોવા છતાં તેમને નિયમ મુજબ પૂરતા આરામ માટે સાત દિવસને બદલે માત્ર બે દિવસ (સોમવાર અને મંગળવાર) ની જ રજા આપવામાં આવી હતી.
તબીબી વિજ્ઞાન અને નિષ્ણાતોના મતે ડેન્ગ્યુના નિદાન બાદ દર્દીએ ઓછામાં ઓછું સાત દિવસ ઓબ્ઝર્વેશનમાં રહીને સંપૂર્ણ આરામ કરવાનો હોય છે, પરંતુ ડૉ. સોનાલીબેનના કેસમાં તંત્ર દ્વારા આ બાબતની ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોય તેમ લાગ્યું. માત્ર બે દિવસના ટૂંકા આરામ બાદ તેઓ બુધવારે ફરીથી પોતાની હોસ્પિટલની ફરજ પર હાજર થઈ ગયા હતા અને આખો દિવસ અથાક ડ્યુટી કરી હતી. બુધવારે રાત્રે જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે તેમની તબિયત અચાનક અત્યંત નાજુક બની ગઈ હતી, જેને પગલે પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી.
પરિવાર દ્વારા તાત્કાલિક તેમને જૂનાગઢની કલ્પ હોસ્પિટલ અને ત્યારબાદ કે.જે. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સ્થિતિમાં સુધારો ન થતાં તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવાનો નિર્ણય લેવાયો હતો. એમ્બ્યુલન્સ દ્વારા રાજકોટ લઈ જતી વેળાએ જેતપુર પાસે પહોંચતા જ તેમની તબિયત વધુ બગડતા તેમને પરત જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું. એક જવાબદાર તબીબ હોવા છતાં યોગ્ય સમયે રજા ન મળવાના કારણે બલિદાન આપવાનો આ કિસ્સો તંત્રની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ખડા કરે છે.
