જગતમંદિર દ્વારકાના દર્શનાર્થે દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. મંદિરની નજીકથી વહેતી પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ છે, જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓ અને શ્રદ્ધાળુઓ પવિત્ર ડૂબકી લગાવવા આવે છે. જો કે, અવાર-નવાર કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ પવિત્ર નદીમાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠતી હતી. આ પ્રવૃત્તિના કારણે દર્શનાર્થે આવનાર શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાતી હતી અને ખાસ કરીને સ્નાન કરતી મહિલાઓ ભારે ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાતી હોવાની ગંભીર નોંધ વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવી છે.
આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૧૬૩ હેઠળ મળેલી સત્તાની રૂએ એક મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ પ્રતિબંધિત વિસ્તારમાં સંગમ નારાયણ મંદિરથી જુના અને નવા ગોમતી ઘાટ, કીર્તિસ્તંભથી દ્વારકાધીશ મંદિર પાર્કિંગ તેમજ સામા કિનારે આવેલા લક્ષ્મીનારાયણ પંચનંદ તીર્થ (પંચકુઈ) મંદિર નજીકથી ૧૦૦ મીટર ત્રિજ્યાથી લઈને નદીનો પ્રવાહ સમુદ્રમાં મળે ત્યાં સુધીના સમગ્ર વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ હદમાં ગોમતી નદીના બંને કિનારે તમામ પ્રકારની બોટ, હોળી તેમજ પગડિયા માછીમારો દ્વારા માછીમારી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ જાહેરનામું તાલાકાત ૨૧ નવેમ્બર ૨૦૨૬થી લઈને તા ૧૯ જાન્યુઆરી ૨૦૨૭ સુધી અમલમાં રહેશે, જેનું ચુસ્તપણે પાલન કરાવવા તંત્ર કટિબદ્ધ છે. જો કોઈ શખ્સ આ સરકારી આદેશનું ઉલ્લંઘન કરશે તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ કાયદેસરનો ગુનો નોંધીને કડક કાર્યવાહી કરવામાં આવશે. તંત્રના આ પગલાથી પવિત્ર ગોમતી તીર્થની પવિત્રતા જળવાઈ રહેશે અને શ્રદ્ધાળુઓ કોઈપણ જાતની અડચણ કે સંકોચ વગર નિશ્ચિંંત બનીને પવિત્ર સ્નાનનો લહાવો લઈ શકશે.
