JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ધર્મ

વ્રજરાજકુમારજી મહોદયના 41મા જન્મોત્સવ નિમિત્તે વડોદરા અને રાજકોટમાં ભવ્ય ધાર્મિક અનુષ્ઠાન અને અન્નકૂટ મહોત્સવ યોજાયો

વ્રજરાજકુમારજી મહોદયના 41મા જન્મોત્સવ નિમિત્તે વડોદરા અને રાજકોટમાં ભવ્ય ધાર્મિક અનુષ્ઠાન અને અન્નકૂટ મહોત્સવ યોજાયો
વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહોદયના 41મા જન્મદિવસની વડોદરા અને રાજકોટ ખાતે શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ મંગલ અવસરે શાસ્ત્રોક્ત વિધિ, ભવ્ય અભિવાદન સમારોહ અને દિવ્ય અન્નકૂટ મનોરથનું ભવ્ય આયોજન કરાયું હતું.

વડોદરાના માંજલપુર સ્થિત વ્રજધામ સંકુલ ખાતે સનાતન વૈદિક પરંપરા અનુસાર શાસ્ત્રોક્ત વિધિથી માર્કંડેય પૂજન સાથે આ મહોત્સવનો શુભારંભ થયો હતો. આ પવિત્ર પ્રસંગે ધ્રુમિલકુમારજી મહારાજ, યોગેશ્વરજી મહારાજ તેમજ વલ્લભકુલ પરિવારના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ ખાતે આયોજિત ભવ્ય જાહેર અભિવાદન સમારોહમાં હજારો વૈષ્ણવો સહિત વિવિધ સમાજના અગ્રણીઓ, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રના મહાનુભાવોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વ્રજરાજકુમારજી મહોદય પ્રત્યેનો અગાધ સ્નેહ, શ્રદ્ધા અને આદરભાવ વ્યક્ત કર્યો હતો. આ અવસરે ટઢઘ નાથ ધામ હવેલી ખાતે પુષ્ટિમાર્ગીય પ્રણાલી અનુસાર ભવ્ય અન્નકૂટ મનોરથ યોજાયો હતો, જેમાં 51 કિલો અન્ન (સખડી)ના વિનિયોગથી અતિ દિવ્ય શિખર સજાવટ કરવામાં આવી હતી અને 11 ડબ્બા ઘીની વિવિધ સામગ્રીનો ભોગ ધરાવીને મહાપ્રસાદનું વિતરણ કરורામાં આવ્યું હતું.

જગદ્ગુરુ મદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીની 18મી પેઢીના વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયએ નાની વયથી જ પુષ્ટિમાર્ગના વૈશ્વિક પ્રચાર-પ્રસાર અને માનવસેવાને પોતાના જીવનનું લક્ષ્ય બનાવ્યું છે. તેમના દ્વારા સ્થપાયેલ ‘વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન’ (VYO) આજે વિશ્વના 18 દેશોમાં કાર્યરત છે અને વિદેશી ધરતી પર યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તેમણે અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ જીવાત્માઓને બ્રહ્મસબંધ દીક્ષા આપી છે તથા દેશ-વિદેશમાં 250થી વધુ ભાગવત કથાઓ દ્વારા સનાતન જીવનમૂલ્યોનો પ્રસાર કર્યો છે. આધુનિક ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તેઓ વિશ્વભરના સાત લાખથી વધુ ફોલોઅર્સ સાથે જોડાયેલા છે, જે સમસ્ત વલ્લભકુલ પરિવારમાં સર્વાધિક લોકપ્રિયતા દર્શાવે છે.

ધાર્મિક ઉત્થાનની સાથેસાથે માનવસેવાના ક્ષેત્રે પણ તેમનું યોગદાન અદ્વિતીય રહ્યું છે. દૃષ્ટિહીન વ્યક્તિઓને સહાયક સ્ટિક વિતરણ, અંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણી માટે 75થી વધુ બોરવેલ, જળસંચય, અન્નદાન, ગૌસેવા, શૈક્ષણિક અને આરોગ્યલક્ષી સહાય તેમજ કન્યાદાન જેવા અનેક માનવતાવાદી અભિયાનો તેમના માર્ગદર્શન હેઠળ સતત ચાલી રહ્યા છે. રાજકોટ ખાતે યોજાયેલો આ ભવ્ય સમારોહ માત્ર જન્મદિવસની ઉજવણી ન રહેતા ગુરુ પ્રત્યેની અનન્ય શ્રદ્ધા, સાંસ્કૃતિક સમર્પણ અને લોકકલ્યાણની ભાવનાનો એક અવિસ્મરણીય મહોત્સવ બની રહ્યો હતો.

ધર્મ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES