રાજકોટ શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતી હોટલ, રેસ્ટોરન્ટ અને ખાદ્યપદાર્થોના વેપારીઓ સામે મહાનગરપાલિકાની આરોગ્ય શાખા અને ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. ગંદકી અને ભેળસેળ વિરુદ્ધની આ વિશેષ ડ્રાઈવ અંતર્ગત અધિકારીઓએ શહેરમાં કુલ ૩૨ જેટલી અલગ-અલગ વ્યાપારી પેઢીઓની સઘન ચકાસણી હાથ ધરી હતી. આ ચેકિંગ દરમિયાન અનેક લોકપ્રિય ખાણીપીણીની જગ્યાઓ પર ગંભીર પ્રકારની અનિયમિતતાઓ અને અસ્વચ્છતા જોવા મળી હતી, જેના પગલે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવામાં આવ્યા હતા.
ચકાસણીની આ કાર્યવાહીમાં વેપારીઓ દ્વારા ગ્રાહકોને પીરસવામાં આવતો અથવા સ્ટોર કરાયેલો અખાદ્ય, વાસી, પડતર અને એક્સપાયર્ડ થઈ ગયેલો અંદાજે ૧૭ કિલો જેટલો જથ્થો સ્થળ પર જ જપ્ત કરીને નાશ કરવામાં આવ્યો હતો. જેમાં જય દેવજીવન રેસ્ટોરન્ટ અને રહાન પ્રોવિઝન સ્ટોર સહિતના સ્થળોએથી વાસી મંચુરિયન, પનીર, બાંધેલો લોટ તથા એક્સપાયરી ડેટ વાળા ફૂડ પેકેટ્સ મળી આવ્યા હતા. તંત્રએ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ અંતર્ગત પનીર, બટર, મિક્સ દૂધ, લાલ મરચું પાઉડર, હળદર અને ગ્રેવી સહિતના કુલ ૦૭ શંકાસ્પદ નમૂનાઓ મેળવીને સચોટ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
આ સમગ્ર ચેકિંગ અભિયાન દરમિયાન લાયસન્સ વગર વેપાર ચલાવતા, સ્ટોરેજની યોગ્ય વ્યવસ્થા ન રાખનારા અને હાઈજેનિક શરતોનું પાલન ન કરનાર કુલ ૧૭ પેઢીઓને કારણ દર્શક નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત નિયમોના ભંગ બદલ વહીવટી દંડ પેટે કુલ ૭,૫૦૦ રૂપિયાની રકમ પણ વસૂલ કરવામાં આવી હતી. પાઈનવીંટા હોટલ, તપસી રેસ્ટોરન્ટ, શ્રીજી એન્ટરપ્રાઈઝ અને સૈરાની ફીશ સહિતની અનેક જાણીતી પેઢીઓ વિરુદ્ધ થયેલી આ દંડાત્મક કાર્યવાહીથી ખોરાકનું વેચાણ કરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. મનપાના આ સઘન અભિયાનથી શહેરીજનોમાં શુદ્ધ અને ગુણવત્તાયુક્ત આહાર મળી રહે તેવી આશા જાગી છે.
