સંસદીય સીમાંકન વિવાદે દેશના રાજકારણમાં જોર પકડ્યું છે ત્યારે ડીએમકેના વડા અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે રાજ્યના લોકસભા પ્રતિનિધિત્વના હિસ્સા સાથે કોઈી પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. સોશિયલ મીડિયા પર પોતાના મંતવ્યો વ્યક્ત કરતા તેમણે યાદ અપાવ્યું હતું કે ડીએમકે એ સમગ્ર દેશમાં સૌપ્રથમ પક્ષ હતો જેણે સીમાંકનની ખતરનાક અસરો સામે અવાજ ઉઠાવ્યો હતો અને ચેન્નાઈમાં રાષ્ટ્રીય સ્તરના નેતાઓને એકત્રિત કરીને ન્યાયી સીમાંકનની માંગણી કરી હતી. દક્ષિણ ભારતના રાજ્યોમાં વસ્તી નિયંત્રણના સફળ અમલીકરણને કારણે સંસદીય બેઠકો ઘટી જવાનો ડર સતત સતાવી રહ્યો છે, જેના પરિણામે આ મુદ્દો હવે રાષ્ટ્રીય સ્તરે ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
આ ગંભીર મુદ્દાને લઈને એમ.કે. સ્ટાલિને કેન્દ્ર સરકાર સમક્ષ મુખ્યત્વે બે કડક શરતો કે માંગણીઓ મૂકી છે. તેમની પ્રથમ શરત એ છે કે ભલે સંસદીય મતવિસ્તારોની કુલ સંખ્યામાં વધારો થાય, પરંતુ તમિલનાડુનો હાલનો ૭.૧૮ ટકા બેઠકોનો હિસ્સો કોઈપણ સંજોગોમાં ઘટવો જોઈએ નહીં. જ્યારે તેમની બીજી માંગણી એવી છે કે ૧૯૭૧ની વસ્તી ગણતરીના આધારે રાજ્યો વચ્ચે સંસદીય પ્રતિનિધિત્વનું હાલનું પ્રમાણ આગામી ૨૫ વર્ષ સુધી યથાવત રાખવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯૭૧ની વસ્તી ગણતરીના આધારને વર્ષ ૨૦૨૬ પછીની પ્રથમ વસ્તી ગણતરી સુધી સ્થગિત રાખવામાં આવ્યો છે, પરંતુ તાજેતરના રાજકીય ઘટનાક્રમો અને સંસદનું આગામી વિશેષ સત્ર શરૂ થવાનું હોવાથી આ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે.
આગામી ૩૦ નવેમ્બરથી શરૂ થનારા સંસદના સત્ર પહેલા સીમાંકન બિલ અને મહિલા આરક્ષણના અમલીકરણને લઈને રાજકીય કોરિડોરમાં અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આવશ્યક સરકારી કામકાજ માટે લોકસભા અને રાજ્યસભાની બેઠકો ફરીથી બોલાવવાની વિનંતી કરી છે, જેમાં પ્રસ્તાવિત સીમાંકન બિલ દ્વારા લોકસભાની સભ્યસંખ્યા વધારીને ૮૫૦ કરવાની યોજના છે. જો કે, આ પ્રક્રિયાથી આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટક જેવા દક્ષિણી રાજ્યોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે કારણ કે જે રાજ્યોએ વસ્તી સ્થિરતા માટે સરાહનીય પ્રયાસો કર્યા છે, તેમને વસ્તી આધારિત સીમાંકનને કારણે મોટું નુકસાન વેઠવું પડી શકે તેમ છે.
