રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા ક્રિષ્ના ચોક પાસે બનઘટના સામે આવી છે, જ્યાં હુડકો શાક માર્કેટમાં વેપાર કરતા હેમંતભાઈ પ્રેમજીભાઈ વાઘેલાના મકાનમાં કડિયાકામ કરવા આવેલ એક અજાણ્યા હિન્દીભાષી ગઠિયાએ રૂા. ૩ લાખની રોકડ રકમની ચોરી કરી નાસી છૂટવામાં સફળતા મેળવી હતી. હેમંતભાઈ પોતાના મકાનનું રિનોવેશન કરાવતા હોય અને વેપારીઓને તેમજ મજૂરોને ચૂકવણી કરવા માટે રૂા. ૫૦૦, ૨૦૦ અને ૧૦૦ ના દરની નોટોના બંડલ ગુલાબી રંગના લેડીઝ પર્સમાં મૂક્યા હતા. આ રકમ અંદાજે આઠથી દસ દિવસ પહેલાં ઘરમાં જ સુરક્ષિત રાખવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
ઘરના ઓટા અને કલર કામ માટે જાણીતા વ્યક્તિ દ્વારા સુતા હનુમાન મંદિર પાસેથી ૨૫ થી ૩૦ વર્ષની વયના એક હિન્દીભાષી શ્રમિકને કામ અર્થે લાવવામાં આવ્યો હતો. નીચલા રૂમમાં કલર કામ ચાલુ હોવાથી ઘરનો તમામ સામાન ઉપરના રૂમમાં ખસેડવામાં આવ્યો હતો, અને ઉપરના રૂમના દરવાજાનું ફીટીંગ બાકી હોવાથી તે ખુલ્લો હતો. ઘટનાના દિવસે સવારે સાડા નવેક વાગ્યે કામ અધૂરું હોવાથી પેલો શખ્સ ફરી આવ્યો હતો અને કડિયાકામનો સામાન ઉપર-નીચે લેવા-મુકવા માટે સતત અવરજવર કરતો રહ્યો હતો, જેના કારણે તેને ઘરની અંદરની ગોઠવણ અને પૈસાની માહિતી મળી ગઈ હતી.
બપોરના બે વાગ્યા આસપાસ પેલો શખ્સ કોઈને પણ જાણ કર્યા વગર જ અચાનક કામ અધૂરું મૂકીને ત્યાંથી રફ્ચક્કર થઈ ગયો હતો. ત્યારબાદ સાંજના પાંચેક વાગ્યે પરિવારજનોએ ઉપરના રૂમમાં જઈને સામાન તપાસતા પર્સમાંથી રૂા. ૩ લાખ ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. સવારના સાડા નવથી બપોરના બે વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન આ ચાલાક તસ્કરે પરિવારની નજર ચૂકવીને મોટી રકમ પર હાથ સાફ કરી લીધો હતો. આ બનાવ અંગે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને ફરાર થઈ ગયેલા ગઠિયાની શોધખોળ તેજ કરી છે.
