ભારતીય શેરબજારમાં સવારથી જ નબળાઈનું વાતાવરણ જોવા મળ્યું હતું અને દિવસ દરમિયાન વેચવાલીનું જોર વધતા બજાર મોટો ઘટાડો નોંધાવીને બંધ રહ્યું હતું. સેન્સેક્સ ૧૧૨૦ પોઈન્ટના તીવ્ર ઘટાડા સાથે ૮૩૨૦૮ ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી ૩૧૯ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૫૬૫ ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. બજારમાં પ્રવર્તેલી આ મંદીને કારણે રોકાણકારોની સંપત્તિમાંથી કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયા હતા. જોકે, મુખ્ય સૂચકાંકોમાં ઘટાડો જોવા મળ્યો હોવા છતાં મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોએ આજના દિવસે પણ પોતાની મજબૂતી જાળવી રાખી હતી અને સકારાત્મક વલણ દર્શાવ્યું હતું.
બજારમાં આવેલા આ અચાનક અને મોટા ઘટાડા પાછળ વૈશ્વિક પરિબળો અને આંતરરાષ્ટ્રીય બજારની અનિશ્ચિતતાઓ મુખ્ય જવાબદાર રહી હતી. સાઉદી રિફાઇનરી પરના હુમલાને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે અને બ્રેન્ટ ક્રૂડ ૯૬ ડોલર પ્રતિ બેરલને વટાવી ગયું છે, જેણે રોકાણકારોની ચિંતામાં વધારો કર્યો છે. આ ઉપરાંત ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ અંગેની અસ્પષ્ટતા અને અમેરિકન ટેરિફની ચિંતાઓએ પણ બજારના સેન્ટિમેન્ટને નબળું પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ડિસેમ્બર મહિનામાં યુએસ ફેડરલ રિઝર્વ અને આરબીઆઈ દ્વારા વ્યાજદર અંગે લેવાનાનારા નિર્ણયો અગાઉ રોકાણકારો અત્યારે સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે.
આજના ટ્રેડિંગ સત્ર દરમિયાન સેક્ટર્સ પ્રમાણે મિશ્ર વલણ જોવા મળ્યું હતું જેમાં મેટલ અને મીડિયા શેરોમાં ખરીદી નીકળતા તેજી રહી હતી, પરંતુ આઈટી, ઓટો, રિયલ્ટી, એફએમસીજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના શેરો ભારે દબાણ હેઠળ રહ્યા હતા. અમેરિકન બજારોમાં થેંક્સગિવિંગની રજાના કારણે વૈશ્વિક વેપાર મર્યાદિત રહ્યો હતો છતાં એશિયન બજારોમાં સામાન્ય તેજી જોવા મળી હતી. નિષ્ણાતોના મતે આગામી સમયમાં ભારતીય બજારની દિશા સંપૂર્ણપણે વૈશ્વિક સંકેતો, ક્રૂડ ઓઇલના બદલાતા ભાવ અને વિદેશી સંસ્થકીય રોકાણકારોની પ્રવૃત્તિઓ પર નિર્ભર રહેશે.
