JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

સુરતના ઉદ્યોગ જગતમાં સનસનાટી: અકાય ઇન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડા

સુરતના ઉદ્યોગ જગતમાં સનસનાટી: અકાય ઇન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડા
સુરત અને મુંબઈના ૮૦થી વધુ આવકવેરા અધિકારીઓની ટીમે અકાય ઈન્ડસ્ટ્રીઝ અને શ્રી અરિહંત ડાયકેમ પર સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વહેલી સવારથી શરૂ થયેલી આ મેગા કાર્યવાહીથી સમગ્ર ઔદ્યોગિક જગતમાં મોટો ખળભળાટ મચી ગયો છે.

સુરત શહેરના ઉદ્યોગ જગતમાં આવકવેરા વિભાગની આક્રમક કાર્યવાહીથી ભારે હલચલ મચી છે. મુંબઈ અને સુરત ઈન્કમ ટેક્સ ઈન્વેસ્ટિગેશન વિંગ (ડીડીઆઈ) દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા આ મેગા ઓપરેશનમાં મુંબઈમાં રજિસ્ટર્ડ અને સુરતમાં કાર્યરત જાણીતી કંપનીઓ ‘અકાય ઈન્ડસ્ટ્રીઝ’ તથા ‘શ્રી અરિહંત ડાયકેમ’ને નિશાન બનાવવામાં આવી છે. આ બંને કંપનીઓના મુંબઈ સ્થિત કોર્પોરેટ કાર્યાલય ઉપરાંત સુરતના વિવિધ ધંધાકીય એકમો અને ડિરેક્ટર્સ મિલન શાહ તથા રોહન શાહના નિવાસ્થાનો પર પણ આવકવેરા વિભાગની ટીમો એકસાથે ત્રાટકી હતી. વહેલી સવારથી જ શરૂ થયેલી આ સઘન તપાસમાં બંને શહેરોમાંથી ૮૦થી વધુ અધિકારીઓનો વિશાળ કાફલો જોડાયો છે, જેના કારણે વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આવકવેરા વિભાગની ટીમો દ્વારા દરોડા દરમિયાન કંપનીના ખરીદ-વેચાણના હિસાબો, મહત્વપૂર્ણ દસ્તાવેજો, ફાઈલો તેમજ ડિજિટલ રેકોર્ડ્સની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, અધિકારીઓ દ્વારા બેનામી વ્યવહારો અને મોટા પાયે બિનહિસાબી નાણાકીય લેવડદેવડ બહાર આવવાની પ્રબળ શક્યતા સેવવામાં આવી રહી છે. બંને કંપનીઓના સંલગ્ન વ્યવહારોની કડીઓ જોડવા માટે ટેકનિકલ અને નાણાકીય નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવી રહી છે. તમામ સ્થળોએથી એકત્રિત કરવામાં આવેલા ડેટા અને પુરાવાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યા બાદ આગામી સમયમાં આ કેસમાં કેટલાક મોટા નાણાકીય ખુલાસા થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, દરોડાનો ભોગ બનેલી અકાય ઈન્ડસ્ટ્રીઝ ફૂડ-ગ્રેડ કલર્સ અને પિગમેન્ટ્સની અગ્રણી ઉત્પાદક તથા નિકાસકાર કંપની છે, જે બેવરેજીસ, ફાર્માસ્યુટિકલ્સ અને કોસ્મેટિક્સ જેવા વિવિધ ઉદ્યોગોને કસ્ટમ કલર ફોર્મ્યુલેશન પૂરા પાડે છે. જ્યારે બીજી તરફ, સચિન જીઆઈડીસીમાં આવેલી અરિહંત ડાયકેમ કંપની દાયકાઓ જૂનો ઇતિહાસ ધરાવે છે અને 'અરિહંત કલર' બ્રાન્ડ હેઠળ ડાયઝ તેમજ કેમિકલ સેગમેન્ટમાં મોટો કારોબાર ધરાવે છે. મહિલા સંચાલિત આ ઔદ્યોગિક એકમો પર એકસાથે થયેલી આ IT રેડના કારણે સુરતના કેમિકલ અને ડાયઝ ઉદ્યોગ સાથે સંકળાયેલા અસંખ્ય વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને સમગ્ર મામલો હાલ ઔદ્યોગિક વર્તુળોમાં ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે.

બિઝનેસ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES