JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

વડોદરા શંકાસ્પદ આતંકી પ્રકરણ: હોટેલ મિલનના માલિક ઈર્શાદ સૈયદનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું

વડોદરા શંકાસ્પદ આતંકી પ્રકરણ: હોટેલ મિલનના માલિક ઈર્શાદ સૈયદનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું
વડોદરામાંથી ઝડપાયેલા શંકાસ્પદ આતંકી મોહમ્મદ સહારુલ ઇસ્લામના કેસમાં રેલવે સ્ટેશન પાસે આવેલી હોટેલ મિલનનું નામ ચર્ચામાં આવ્યું છે. ગુજરાત એટીએસની તપાસ બાદ હોટેલ માલિકે સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે.

વડોદરા શહેરમાંથી થોડા સમય પહેલાં ગુજરાત એટીએસ દ્વારા ઝડપવામાં આવેલા શંકાસ્પદ આતંકી મોહમ્મદ સહારુલ ઇસ્લામની તપાસનો વ્યાપ સતત વધી રહ્યો છે. એટીએસના અત્યાર સુધીના ખુલાસા મુજબ આ આરોપી તેની ગતિવિધિઓ દરમિયાન વડોદરા રેલવે સ્ટેશનની નજીક આવેલી જાણીતી હોટેલ મિલનમાં રોકાયો હોવાની માહિતી મળી છે. આ ગંભીર બાબત સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા તાત્કાલિક ધોરણે આ હોટેલ પર પહોંચીને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જેના કારણે સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જાગી છે.

ગુજરાત એટીએસની ટીમે હોટેલ મિલન ખાતે પહોંચીને ત્યાંના સુરક્ષા વ્યવસ્થા અને રેકોર્ડની ઝીણવટભરી તપાસ કરી હતી. હોટેલ માલિક ઈર્શાદ સૈયદે મીડિયા સમક્ષ આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે એટીએસની ટીમ તેમની હોટેલમાં આવી હતી અને તેમણે રૂમ બુકિંગ તેમજ આગંતુકોની નોંધણી માટે વપરાતા 'પથિક' સોફ્ટવેરની એન્ટ્રીઓ તથા સીસીટીવી ફૂટેજની સઘન ચકાસણી કરી હતી. જોકે, એટીએસ દ્વારા આ તપાસ કયા ચોક્કસ હેતુસર કે કયા ગુનાના સંદર્ભમાં કરવામાં આવી રહી છે તેની કોઈ પણ પ્રકારની વિગતવાર જાણકારી હોટેલ સંચાલકોને આપવામાં આવી નહોતી.

તપાસ દરમિયાન હોટેલમાંથી કોઈ પણ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી હોવાનો હોટેલ માલિકે સ્પષ્ટ ઇનકાર કર્યો છે. ઈર્શાદ સૈયદે વધુમાં ઉમેર્યું હતું કે તેઓ ખુદ મુસ્લિમ સમુદાયમાંથી આવે છે પરંતુ દેશ વિરોધી અને કોઈપણ પ્રકારની આતંકી પ્રવૃત્તિઓને સખત શબ્દોમાં વખોડે છે. વડોદરા એરફોર્સ સ્ટેશન પર સંભવિત હુમલાના ટાસ્ક અને આસામથી વડોદરા સુધી ફેલાયેલા આ નેટવર્કની તપાસ વચ્ચે હોટેલ માલિકનું આ નિવેદન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES