JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

ગુજરાત એટીએસની મોટી સફળતા: વડોદરાથી એકે-૪૭ સાથે ઝડપાયેલો શંકાસ્પદ આતંકી મોટો હુમલો કરવાની ફિરાકમાં હતો

ગુજરાત એટીએસની મોટી સફળતા: વડોદરાથી એકે-૪૭ સાથે ઝડપાયેલો શંકાસ્પદ આતંકી મોટો હુમલો કરવાની ફિરાકમાં હતો
ગુજરાત એટીએસે વડોદરા પાસેથી જૈશ-એ-મોહમ્મદના કટ્ટરપંથી આતંકી મહમદ સહરૂલ ઇસ્લામને ઝડપી પાડ્યો છે. આસામના આ યુવક પાસેથી એકે-૪૭ રાઇફલ અને વિવાદાસ્પદ સામગ્રી મળી આવી છે, જે ટૂંક સમયમાં રાજ્યમાં મોટા હુમલાની તૈયારીમાં હતો.

ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશી દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, પકડાયેલા શંકાસ્પદ આતંકીની ઓળખ ૨૪ વર્ષીય મહમદ સહરૂલ ઇસ્લામ તરીકે થઈ છે જે મૂળ આસામનો વતની છે. એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને મળેલી ચોક્કસ બાતમીના આધારે વડોદરાની મિલન હોટેલમાંથી તેની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી હતી. લગભગ સાત દિવસ સુધી સતત ટેકનિકલ ટ્રેકિંગ કર્યા બાદ એટીએસની ટીમે આ કુશળ ઓપરેશન પાર પાડીને તેને દબોચી લીધો હતો. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે તે છેલ્લા દોઢ વર્ષથી કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત હતો અને છેલ્લા એક વર્ષથી પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના હેન્ડલરના સીધા સંપર્કમાં રહીને સોશિયલ મીડિયા તથા મેસેજિંગ એપ્લિકેશન દ્વારા સતત વાતચીત કરી રહ્યો હતો.

આરોપીની તલાશી દરમિયાન તેની પાસેથી અત્યંત જોખમી એવી ઓટોમેટિક એકે-૪૭ રાઇફલ, ૨૩ જીવતા કારતૂસ, બે ખાલી કારતૂસ અને જૈશ-એ-મોહમ્મદનો ઝંડો જપ્ત કરવામાં આવ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે તે આસામથી ટ્રેન દ્વારા ભોપાલ અને ત્યારબાદ વડોદરા આવ્યો હતો, જ્યારે હથિયાર મેળવવા માટે ખાસ દાહોદ ગયો હતો જ્યાં તેને 'ડેડ ડ્રોપ' પદ્ધતિથી આ હથિયાર પહોંચાડવામાં આવ્યું હતું. આશ્ચર્યજનક બાબત તો એ છે કે તેણે હથિયાર ચલાવવાની કોઈ પ્રત્યક્ષ તાલીમ લીધી નહોતી, પરંતુ યુટ્યુબ પર વીડિયો જોઈને એકે-૪૭ ચલાવવાનું શીખ્યો હતો. તેના મોબાઈલમાંથી વડોદરા એરફોર્સ સ્ટેશનના ગેટનો ફોટો અને શંકાસ્પદ સાહિત્ય પણ મળી આવ્યા છે, જ્યારે હેન્ડલર દ્વારા તેના ખાતામાં મુસાફરી અને અન્ય ખર્ચ માટે આશરે ૫૦ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

એટીએસની પૂછપરછમાં એ વાત સામે આવી છે કે આ શંકાસ્પદ આતંકીને આ નેટવર્ક દ્વારા ગુજરાતમાં કોઈ મોટો હુમલો કરવાનો પ્રથમ ટાસ્ક સોંપવામાં આવ્યો હતો. આ મિશન પૂરું કરીને પાકિસ્તાન ભાગી જવાની અને ત્યાં જૈશ-એ-મોહમ્મદ સંગઠનમાં સક્રિય રીતે જોડાઈ જવાની તેની યોજના હતી. હાલમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા તેના બંને મોબાઈલ ફોન, સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ, નાણાકીય વ્યવહારો અને હથિયાર પૂરા પાડનાર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ ભયાનક ષડયંત્ર પાછળ અન્ય કયા સ્થાનિક કે બહારના શખ્સો સંડોવાયેલા છે અને તેના સંભવિત નિશાનાઓ કયા હતા તે જાણવા માટે એટીએસે તપાસનો વ્યાપ વધુ તેજ બનાવ્યો છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES